ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે 28 ડિસેમ્બરથી 3 ટી-20 મેચની સિરીઝ શરૂ થઈ ગઈ છે. માઉન્ટ મૌનગાનુઈ મેદાન પર રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ખૂબ જ સારી શરૂઆત કરવા છતાં શ્રીલંકાની ટીમ 8 રનથી મેચ હારી ગઈ હતી.
ન્યુઝીલેન્ડે 3 મેચની સિરીઝમાં લીડ મેળવી
ત્યારે ન્યુઝીલેન્ડે 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ નિર્ણય સારો સાબિત થયો હતો. ન્યૂઝીલેન્ડની અડધી ટીમ 65 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ હતી, પરંતુ તે પછી ડેરિલ મિશેલ અને માઈકલ બ્રેસવેલે શાનદાર બેટિંગ કરી અને 105 રનની ભાગીદારી કરી. મિશેલે 62 રન અને બ્રેસવેલે 59 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેનોએ મળીને 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા અને રનનો વરસાદ કરી દીધો હતો.
પત્તાના મહેલની જેમ શ્રીલંકન ટીમની વિકેટો પડી ગઈ
173 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને 14મી ઓવર સુધી 121 રન બનાવી લીધા હતા પણ વિકેટો પડવાની શરૂઆત થયા બાદ અટકવાનું નામ લીધું નહતું. પહેલા કુસલ મેન્ડિસે 46 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી હતી અને ટીમની પ્રથમ વિકેટ 121 રનના સ્કોર પર પડી હતી. જ્યાં ટીમે વિકેટ ગુમાવ્યા વગર 121 રન બનાવી લીધા હતા, પરંતુ 14મી ઓવરના અંત સુધીમાં શ્રીલંકાનો સ્કોર 3 વિકેટે 121 રન થઈ ગયો હતો. કુસલ પરેરા અને કામિન્દુ મેન્ડિસ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ રન નિસાન્કાએ કર્યા હતા, જેણે 90 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
શ્રીલંકાની ટીમે 43 રનમાં 8 વિકેટ ગુમાવી
શ્રીલંકાએ વિકેટ ગુમાવ્યા વગર શરૂઆતમાં 121 રન બનાવ્યા હતા અને તે પછી એક પછી એક વિકેટો પડતી રહી અને અંતે ટીમ 8 વિકેટના નુકસાન પર માત્ર 164 રન જ બનાવી શકી હતી. માત્ર 43 રનમાં 8 વિકેટ પડવી એ વિશ્વની કોઈપણ ટીમ માટે ખુબ મોટી શરમજનક બાબત છે. શ્રીલંકન ટીમના 8 બેટ્સમેન રનના મામલામાં બે આંકડાને પણ સ્પર્શી શક્યા નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા શ્રીલંકાએ ટી20 મેચમાં જીતની હેટ્રિક લગાવી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડે તેની જીતનો સિલસિલો ખતમ કરી દીધો છે.


