પોતાના હોમગ્રાઉન્ડમાં લિવરપૂલે ભારે રસાકસી બાદ લિલીને 2-1થી હરાવીને ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટના અંતિમ-16મા પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. બીજી તરફા બાર્સેલોનાએ એક સમયે બે ગોલથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને રોમાંચક મુકાબલામાં બેનફિકાને 5-4થી પરાજય આપ્યો હતો.
બાર્સેલોનાએ 18 મિનિટમાં ત્રણ ગોલ નોંધાવીને વિજય હાંસલ કર્યો હતો. હાર્વે ઇલિયટના વિજયી ગોલની મદદથી લિવરપૂલે સાત મેચમાં સાતમો વિજય મેળવ્યો હતો. આ પહેલાં મોહમ્મદ સાલાહે લિવરપૂલ માટે 34મી મિનિટે પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. જોકે લિલીએ કેનેડાના સ્ટ્રાઇકર જોનાથાન ડેવિડે 62મી મિનિટે નોંધાવેલા ગોલની મદદથી સ્કોર 1-1થી સરભર કર્યો હતો. લિલીને અંતિમ 30 મિનિટ 10 ખેલાડીઓ સાથે રમવાની ફારજ પડી હતી. લિવરપૂલે અંતિમ-16મા સ્થાન મેળવવા માટે આ મેચમાં માત્ર એક પોઇન્ટની જરૂર હતી પરંતુ ટીમે પોતાના વિજયી અભિયાનને જારી રાખ્યું હતું.બાર્સેલોનાની ટીમ 75મી મિનિટ સુધી 2-4ના સ્કોરથી પાછળ હતું. સ્પેનિશ જાયન્ટ્સ ટીમે અંતિમ-18 મિનિટમાં વળતો પ્રહાર કર્યો હતો.રાફિન્હાએ ઇન્જરી ટાઇમમાં ગોલ કર્યો હતો. બાર્સેલોનાના સાત મેચમાં 18 પોઇન્ટ થયા છે અને તે લિવરપૂલ બાદ બીજા ક્રમે છે. લિવરપૂલના 21 પોઇન્ટ છે. બેનફિકાના વેન્જેલિસે પાવલિડિસે ચેમ્પિયન્સ લીગમાં ત્રીજી ફાસ્ટેસ્ટ ગોલની હેટ્રિક નોંધાવી હતી.
રોબર્ટ લેવાન્ડોવસ્કીએ બાર્સેલોના માટે પેનલ્ટી ઉપર બે ગોલ કર્યા હતા. તે નવ ગોલ સાથે ચેમ્પિયન્સ લીગમાં ટોપ ગોલ સ્કોરર છે. રાફિન્હાએ પણ બે ગોલ કર્યા હતા. સ્પેનની અન્ય એક ક્લબ એટ્લેટિકો મેડ્રિડે જુલિયન એલ્વારેઝે 90મી મિનિટે કરેલા ગોલ વડે બાયર લેવરકુસેનને 2-1થી પરાજય આપ્યો હતો. એટ્લેટિકો લીગમાં ત્રીજા ક્રમે છે.


