પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી ચીનના પ્રવાસે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે ઝરદારી સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, “ચીન અને પાકિસ્તાને એકબીજાને રાજકીય સમર્થન આપ્યું છે, બંને વચ્ચે ‘અતુટ’ મિત્રતા છે.
ચીન CPEC પ્રોજેક્ટ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓના વારંવારના હુમલાથી ચિંતિત
સત્તાવાર મીડિયા અહેવાલો અનુસાર, શી જિનપિંગે કહ્યું કે ચીન અને પાકિસ્તાન વચ્ચે અતૂટ મિત્રતા છે અને તેઓ દરેક હવામાનમાં વ્યૂહાત્મક સહકારી ભાગીદારો છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) ના નિર્માણને આગળ ધપાવવામાં આવ્યું છે અને ઘણા ક્ષેત્રોમાં સહયોગ કરવામાં આવ્યો છે. ચીનના શિનજિયાંગને પાકિસ્તાનના ગ્વાદર બંદર સાથે જોડતા US $60 બિલિયન CPECને પાકિસ્તાની નેતાઓએ ગેમ ચેન્જર ગણાવ્યું છે, પરંતુ આ પ્રોજેક્ટને કારણે બંને દેશો વચ્ચે તણાવ પણ સર્જાયો છે કારણ કે ચીન CPEC પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીની નાગરિકો પર બલૂચિસ્તાન અને ઇસ્લામિક કટ્ટરપંથીઓના વારંવારના હુમલાથી ચિંતિત છે.
ઝરદારીને 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં ભાગ લેવાનું આમંત્રણ
અગાઉ, મંગળવારે અહીં પાંચ દિવસની મુલાકાતે પહોંચેલા ઝરદારીએ નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ઝાઓ લેજી સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાનની સરકારી સમાચાર એજન્સી એપીપીએ અહેવાલ આપ્યો છે કે બંને નેતાઓએ ચીન-પાકિસ્તાન સંબંધોના પાયાના પથ્થર તરીકે વ્યૂહાત્મક પરસ્પર વિશ્વાસને રેખાંકિત કર્યો હતો. ઝરદારીની સાથે નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડાર અને ગૃહમંત્રી નકવી અને અન્ય અધિકારીઓ પણ છે. ઝરદારી એ ચાર નેતાઓમાં સામેલ છે જેમને હાર્બિનમાં 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં ભાગ લેવા માટે ચીને આમંત્રણ આપ્યું હતું. ચીને ચાઈનીઝ યર ઓફ સ્નેક ઉજવણી કરતા એશિયન દેશોના નેતાઓની યજમાની કરી. ઝરદારી ઉપરાંત કિર્ગિસ્તાન, બ્રુનેઈ અને થાઈલેન્ડના રાષ્ટ્રપતિઓ પણ આમંત્રિત લોકોમાં સામેલ હતા.


