WPL 2025 સીઝનની ચોથી મેચમાં RCBનો સામનો DC સામે થયો હતો. આ મેચ RCBએ જીતી લીધી. 142 રનના ટાર્ગેટનો પીછો કરતા, આરસીબીએ માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. આ સિઝનમાં RCBનો આ સતત બીજો વિજય છે.
સ્મૃતિ મંધાનાની શાનદાર ઈનિંગ
142 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત શાનદાર રહી. સ્મૃતિ મંધાના અને ડેનિયલ વ્યાટ-હોજે પ્રથમ વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી. ડેનિયલ વ્યાટ-હોજે 33 બોલમાં 42 રન બનાવીને આઉટ થઈ. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 7 ચોગ્ગા ફટકાર્યા. આ દરમિયાન, કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શાનદાર ફિફ્ટી ફટકારી. કેપ્ટનશીપની ઈનિંગ્સ રમીને, તેણે એકલા હાથે ટીમને વિજય તરફ દોરી. સ્મૃતિ મંધાનાએ 47 બોલમાં 81 રનની ઈનિંગ રમી. તેણે પોતાની ઈનિંગ દરમિયાન 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. અંતમાં એલિસ પેરી અને રિચાએ ટીમને વિજય તરફ દોરી.
સ્મૃતિ મંધાનાના 6 ઈનિંગ્સમાં 324 રન
સ્મૃતિ મંધાના T20 મેચોમાં ધૂમ મચાવી રહી છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામે 81 રનની ઈનિંગ રમી. ગુજરાત જાયન્ટ્સ સામે માત્ર 9 રન બનાવ્યા બાદ તે આઉટ થઈ ગઈ હતી, પરંતુ T20 મેચોમાં તેનું ફોર્મ એટલું સારું છે કે તેણે છેલ્લી 6 T20 ઈનિંગ્સમાં 324 રન બનાવ્યા છે, જેમાં ચાર અર્ધશતકનો સમાવેશ થાય છે.
દિલ્હી કેપિટલ્સે આપ્યો 142 રનનો ટાર્ગેટ
દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને જીતવા માટે 142 રનનો ટાર્ગેટ આપ્યો. પ્રથમ બેટિંગ કરતા, દિલ્હીની ઈનિંગ સારી ન રહીં અને 19.3 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ. ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબી માટે, રેણુકા ઠાકુર અને જ્યોર્જિયા વેરહેમે ત્રણ-ત્રણ વિકેટ લીધી અને દિલ્હીને મોટો સ્કોર બનાવતા અટકાવ્યું.
RCBની શાનદાર બોલિંગ
દિલ્હી તરફથી જેમીમા રોડ્રિગ્ઝે 22 બોલમાં સૌથી વધુ 34 રન બનાવ્યા. જેમીમા અને કેપ્ટન મેગ લેનિંગ વચ્ચેની ભાગીદારી સિવાય, દિલ્હી માટે બીજી કોઈ ભાગીદારી બની શકી નહીં. રેણુકા અને જ્યોર્જિયા સિવાય કિમ ગાર્થ અને એકતા બિશ્તે RCB માટે બે-બે વિકેટ લીધી.


