પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની આગામી મેચ ટીમ ઈન્ડિયા સાથે રમવાની છે. આ મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પહેલા પાકિસ્તાનની મુશ્કેલી ઘણી વધી ગઈ હોય તેવું લાગે છે.
બીજી મેચ પહેલા પાકિસ્તાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પહેલી મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ, આ સ્ટાર ખેલાડી ભારત સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે.
ફખર ઝમાન ઈજાના કારણે બહાર
પાકિસ્તાને ગઈકાલે ન્યુઝીલેન્ડ સામે પોતાની પહેલી મેચ રમી હતી. આ મેચમાં પાકિસ્તાન ટીમના સ્ટાર ખેલાડી ફખર ઝમાન શરૂઆતમાં જ ઘાયલ થયો. જે બાદ તેને મેદાન છોડવું પડ્યું. પરંતુ ફખર પાછળથી બેટિંગ કરતો જોવા મળ્યો હતો પરંતુ તે સમયે પણ તે થોડો અસ્વસ્થ દેખાતો હતો. મીડિયા રિપોર્ટ મુજબ ફખર ઝમાન હવે ટીમ ઈન્ડિયા સામેની બીજી મેચમાંથી બહાર થઈ ગયો છે. પરંતુ રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફખર માટે હવે આ ટુર્નામેન્ટ આગળ રમવી મુશ્કેલ છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા મુજબ ફખર ઝમાન 23 ફેબ્રુઆરીએ ભારત સામેની રોમાંચક મેચ માટે ટીમ સાથે દુબઈ જશે નહીં. ICC ટૂંક સમયમાં તેના સ્થાન અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી અપેક્ષા છે. ટુર્નામેન્ટની બાકીની મેચો માટે ફખરની જગ્યાએ ઓપનર ઈમામ-ઉલ-હકને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
પહેલી મેચમાં રમી ધીમી ઈનિંગ્સ
ફખર ઝમાન ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો પરંતુ બાદમાં બેટિંગ કરવા આવ્યો. બેટિંગ કરતી વખતે તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ હતું. આ મેચમાં ફખરે 41 બોલનો સામનો કર્યો અને માત્ર 24 રન બનાવ્યા. ઘણા બેટ્સમેનોની ધીમી ઈનિંગ્સના કારણે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો.
પાકિસ્તાન 60 રનથી હારી ગયું
પાકિસ્તાનને પહેલી મેચમાં 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડ દ્વારા જીત માટે આપવામાં આવેલા 321 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે, સમગ્ર પાકિસ્તાન ટીમ ફક્ત 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. હવે પાકિસ્તાન માટે સેમિફાઈનલનો રસ્તો ખૂબ જ મુશ્કેલ લાગે છે.


