ઓપનિંગ મુકાબલામાં શાનદાર વિજય મેળવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર થયેલી ન્યૂઝીલેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ-એમાં સોમવારે બાંગ્લાદેશ સામે રમાનારી મેચમાં વિજય હાંસલ કરીને સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચીત કરવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઊતરશે. બીજી તરફ પોતાની આશાને જીવંત રાખવા માટે બાંગ્લાદેશે કોઇ પણ ભોગે મોટા માર્જિનથી જીતવું પડે તેમ છે. પાકિસ્તાનને પ્રથમ મેચમાં 60 રનથી હરાવનાર કિવિ ટીમનો રનરેટ સારો છે અને તે બાંગ્લાદેશ સામે જીતીને સેમિફાઇનલની નજીક પહોંચી જશે. ન્યૂઝીલેન્ડની ટીમ રમતના તમામ પાસામાં શાનદાર દેખાવ કરી રહી છે. તાજેતરમાં પાકિસ્તાનમાં તેણે રમેલી ત્રિકોણીય શ્રેણીનો તેને ફાયદો થઇ રહ્યો છે. રચિન રવીન્દ્ર ઇજામુક્ત થઇ ચૂક્યો હોવાના કારણે ન્યૂઝીલેન્ડની ટીમે પ્લેઇંગ ઇલેવન માટે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેની ગેરહાજરીમાં ડેવોન કોનવે તથા વિલ યંગે ઇનિંગની શરૂઆત કરી હતી અને વિલ યંગે પાકિસ્તાન સામે સદી ફટકારીને અંતિમ ઇલેવનમાં પોતાનું સ્થાન નિશ્ચીત કર્યું છે. રચિનને રમાડવા માટે કિવિ ટીમ કોને ડ્રોપ કરશે તે રસપ્રદ બની રહેશે.
ભારત સામેની મેચમાં બાંગ્લાદેશની તમામ નબળાઇઓ સપાટી ઉપર આવી ગઇ હતી અને વિજય મેળવવા માટે બાંગ્લાદેશના ખેલાડીઓએ ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કરવો પડશે. ભારત સામે બેટિંગમાં ધબડકો થયા બાદ તૌહિદ તથા જાકીર અલીએ 154 રનની ભાગીદારી નોંધાવી હતી. આ બંનેના કેચ પકડાયા હોત તો બાંગ્લાદેશ 100નો આંકડો પાર કરવામાં નિષ્ફળ રહ્યું હોત. બાંગ્લાદેશના બોલર્સે પણ શિસ્તબદ્ધ યૂનિટ તરીકે બોલિંગ કરવી પડશે.


