ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર ISKP સમૂહ તરફ આતંકી હુમલો થવાની શક્યતા છે. આંતકીઓ પ્લાન બનાવી રહ્યા છે કે ચેમ્પિયન્સ ટ્રોફી જોવા માટે આવતા વિદેશી દર્શકોનું અપહરણ કરવું અને બાદમાં ખંડણી ઉઘરાવવી. આ માહિતી મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ છે. અને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં ક્રિકેટ દરમિયાન આતંકી હુમલાનો ડર સુરક્ષા એજન્સીઓ માટે પડકારરૂપ બન્યો છે.
શું છે ISKPનો પ્લાન ?
પાકિસ્તાનમાં લગભગ 3 દશક બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યુ છે. સુરક્ષા કારણો અને આતંકી હુમલાઓના ડરને લીધે પાકિસ્તાનમાં ઘણા લાંબા સમય સુધી કોઇ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમાયા. પરંતુ હવે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાની પાકિસ્તાનના હાથમાં આવી છે ત્યારે ફરી એકવાર આતંકી હુમલાનો ડર સુરક્ષા એજંસીઓને સતાવી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર ISKP સમૂહ તરફ આતંકી હુમલો થવાની શક્યતા છે. ભારતીય એજંસીઓએ પણ પાકિસ્તાનમાં આતંકી હુમલાઓ મામલે પાકિસ્તાનની સુરક્ષા એજંસીઓને માહિતી આપી છે. ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત એટલે ISKPએ મેચ જોવા આવતા વિદેશી દર્શકોનું અપહરણ કરી શકે છે અને તેમના બદલે જોઇએ એટલી ખંડણી ઉઘરાવી શકે છે.
પાકિસ્તાનની ગુપ્તચર એજંસીઓએ ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત એટલે ISKPના સંભવિત ખતરા મામલે ચેતવણી જાહેર કરી છે. જેમાં આ આંતકી સમૂહ વિદેશી દર્શકોના અપહરણની યોજના બનાવી રહ્યુ છે. આ આતંકી સમૂહ મુખ્યત્વે ચીની અને અરબ નાગરિકોને નિશાન બનાવી રહ્યુ છે. દક્ષિણ-મધ્ય એશિયા, મુખ્યરૂપથી અફગાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય સલાફી જિહાદી સમૂહ ઇસ્લામિક સ્ટેટની એક ક્ષેત્રીય શાખા છે. પરંતુ હમણા સુધી આતંકી હુમલા મામલે કોઇ નક્કર પુરાવા સામે નથી આવ્યા. પરંતુ હુમલાની માહિતીને નજર અંદાજ ન કરી શકાય.
12 હજારથી વધુ સૈનિકો અને પોલીસકર્મીઓ તૈનાત
પાકિસ્તાનમાં ક્યારે બોમ્બ વિસ્ફોટ થશે તેની કોઈ ખાતરી નથી. આવી સ્થિતિમાં, એમ કહેવું ખોટું નહીં હોય કે દેશમાં આતંકવાદના પડછાયા હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થયુ છે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો લાહોર, રાવલપિંડી અને કરાચીમાં રમાઇ રહી છે. આવી સ્થિતિમાં, સરકારના આદેશ પર, ચેમ્પિયન્સ ટ્રોફીની સુરક્ષા માટે 12 હજારથી વધુ સૈનિકો અને પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જેથી ક્રિકેટ ટુર્નામેન્ટ કોઈપણ મુશ્કેલી વિના અને સંપૂર્ણ સુરક્ષા સાથે યોજાઈ શકે.
સેના અને પોલીસ એલર્ટ મોડ પર
પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને સેના અને પોલીસ સતર્ક છે. ઘણા સમય પછી, પાકિસ્તાનમાં આટલી મોટી ટુર્નામેન્ટનું આયોજન થયુ છે. આ કારણોસર, પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ ટુર્નામેન્ટના સફળ અને સુરક્ષિત આયોજન માટે કોઈ કસર છોડવા માંગતા નથી.


