ઈંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર મોઈન અલીએ એક મોટો નિર્ણય લીધો છે. તેને T20 બ્લાસ્ટ પછી ઈંગ્લેન્ડ કાઉન્ટી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.
આ સિવાય તે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં પણ રમતો જોવા મળશે નહીં. જો મોઈન અલી ધ હંડ્રેડમાં ભાગ નહીં લે, તો તેને અન્ય વિદેશી લીગ માટે થોડો સમય મળશે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરી હતી નિવૃત્તિની જાહેરાત
જો આપણે મોઈન અલીની વાત કરીએ તો તે પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તેમણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સમયે, તે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. આ જ કારણ છે કે મોઈન અલી હાલમાં વિશ્વભરની T20 લીગમાં રમી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ મોઈન અલીએ હવે ઈંગ્લેન્ડ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની NOC નીતિને કારણે, મોઈન અલીને વિશ્વભરની T20 લીગમાં રમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ નિવૃત્તિ પછી તેમને કોઈ સમસ્યા નહીં થાય. તે જ્યારે ઈચ્છે ત્યારે કોઈપણ લીગમાં રમી શકે છે.
મોઈન અલીએ કાઉન્ટી ક્રિકેટમાંથી કરી નિવૃત્તિની જાહેરાત
આ મોઈન અલીના વોરવિકશાયર સાથેના કાઉન્ટી ક્રિકેટ કરારનું ત્રીજું અને અંતિમ વર્ષ છે. તેને બર્મિંગહામ બેયર્સ માટે ખેલાડી અને કોચ બંને તરીકે સેવા આપી છે. પરંતુ હવે તેને ધ હન્ડ્રેડને પણ છોડી દેવાનો નિર્ણય લીધો છે. તેને અગાઉ ચાર સીઝન માટે બર્મિંગહામ ફોનિક્સનું નેતૃત્વ કર્યું હતું.
એલેક્સ હેલ્સે પણ લીધો હતો આ નિર્ણય
તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની NOC નીતિને કારણે, એલેક્સ હેલ્સે પણ અગાઉ ધ હન્ડ્રેડ મેન્સ ટુર્નામેન્ટમાં ન રમવાનો નિર્ણય લીધો છે. આ NOC હેઠળ, ઈંગ્લેન્ડના ખેલાડીઓને ઈંગ્લેન્ડની ઉનાળાની સીઝન દરમિયાન કઈ લીગમાં રમવા માંગે છે અને કઈ નહીં તે પસંદ કરવાની મંજૂરી નથી. એલેક્સ હેલ્સે પહેલાથી જ ખુલાસો કરી દીધો છે કે તે ધ હંડ્રેડમાં રમશે નહીં અને તેના બદલે મેજર લીગ ક્રિકેટમાં નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝી સાથે કરાર કર્યો છે. આ સિવાય તે કેરેબિયન પ્રીમિયર લીગમાં પણ રમતા જોવા મળશે.


