- ગાય અને શ્વાન પ્રત્યે સમાજમાં વધતા ભેદભાવનું પાસું પણ મહત્ત્વનું
- શહેરોમાં શેરીઓમાં રખડતાં કૂતરાં સાથેનું સહજીવન ક્રમશઃ ઘટતું ગયું
- રખડતાં કૂતરાં કરડવાનો ત્રાસ એ વહીવટી ઓછી પણ સામાજિક સમસ્યા વધુ
શહેરના શ્વાનપ્રેમીઓ અને આ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓનું માનવું છે કે, રખડતાં કૂતરાં કરડવાનો ત્રાસ એ વહીવટી ઓછી પણ સામાજિક સમસ્યા વધુ છે. જેમ જેમ શહેરીકરણ વધતું જાય છે અને ગેટેડ એપાર્ટમેન્ટ, ફ્લેટ્સ, સોસાયટીઓમાં વસવાટ વધતો જાય છે તેમ શેરીઓમાં છૂટ્ટા ફરતાં શ્વાન સાથેનું સહજીવન ક્રમશઃ ઘટતું જાય છે. પરિણામે, ઘરની આસપાસ ફરતા રહેતા, વિવિધ ઘરોમાંથી દૂધ, રોટલી સહિતનું ખાવાનું સતત મેળવવાનું બંધ થતું ગયું. સોસાયટી, ફ્લેટ, એપાર્ટમેન્ટમાં કૂતરાને જોતાં વેંત હાંકી કઢાય છે. પરિણામે તેમને ખાવાનું દોહ્યલું બનતાં શ્વાનનો સ્વાભાવ આક્રમક બનતો જાય.
આ ઉપરાંત પણ, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, આપણા ત્યાં મૂંગા પ્રાણીઓ વચ્ચે પણ ભેદભાવ જોવા મળે છે. ગાયને ખવડાવાથી પુણ્ય મળે છે, ગાયને કોઈ તકલીફ થાય તો તેના માટે ગૌરક્ષકો આવે છે પરંતુ કુતરાને કોઈ તકલીફ પડે, તેની સાચવણી માટે કોઈ આગળ આવતું નથી. કુતરા હંમેશા લોકોની વચ્ચે જ રહ્યાં છે.
એક અન્ય મત એવો પણ પ્રવર્તે છે કે, અમદાવાદ સહિતના શહેરોની વાત કરવામાં આવે તો આજના યંગસ્ટર્સ રાત્રે જ્યારે ટુ-વ્હીલર લઈને નિકળે છે ત્યારે કુતરાની નજીકથી પસાર કરી બુટ-ચપ્પલ નીચે ઘસેડી અથવા તો સ્ટેન્ડ નીચે ઘસેડી કુરતાઓને છંછેડે છે. આવા બદમાશો હરકત કરી નીકળી જાય છે અને એ પછી પસાર થતાં નિર્દોષ લોકોની પાછળ કુતરાઓ ભાગે છે. એ કુતરાને એવી કોઈ જ સમજ હોતી નથી કે આ અવળચંડાઈ કોણે કરી છે. આ સિવાય સુતેલા કુતરા પર ફોરવ્હીલર ચડાવી દેવી તેની નજીક જઈ જોરથી હોર્ન મારવાની પણ હરકત કરવામાં આવે છે. આવી ઘટના બે-ત્રણ વખત બને એટલે એ કુતરા પછી વાહનની પાછળ ભાગવા લાગે છે.


