અમેરિકાના પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોષી અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂને ટ્રમ્પે આપેલા ખુલ્લા સમર્થનને કારણે ઇરાનમાં હાલ ભયનો માહોલ છે.
ઇરાનને ભય છે કે અમેરિકા અને ઇઝરાયેલ ભેગા મળીને તેની પર હુમલો કરી શકે છે અને તેથી જ તેણે પોતાના પરમાણુ ઠેકાણાઓની સુરક્ષા વધારી દીધી છે. બ્રિટિશ અખબાર ટેલિગ્રાફ અનુસાર ઇરાન પોતાના મહત્ત્વપૂર્ણ ઠેકાણાઓ પર સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારી રહ્યું છે અને સાથે જ એર ડિફેન્સ સિસ્ટમ લગાવી રહ્યું છે. અમેરિકન જાસૂસી એજન્સીઓએ પહેલા જ બાઇડેન અને ટ્રમ્પ સરકારને ચેતવણી આપી હતી કે ઇઝરાયેલ ઇરાન પર હુમલો કર શકે છે. સૂત્રોના અનુસાર ઇરાન છેલ્લા એક વર્ષથી પોતાના પરમાણુ ઠેકાણાઓને મજબૂત બનાવી રહ્યું છે, ખાસ કરીને ત્યારથી જ્યારથી ઇઝરાયેલે તેની પર હુમલો કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇરાન પ્રત્યેક રાત્રી હુમલાના ભય વચ્ચે ગાળી રહ્યું છે અને દેશમાં સર્વત્ર એલર્ટ જાહેર કરાયેલું છે.
ઇરાનને પાઠ ભણાવવાની તૈયારી
ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયેલ અમેરિકાની મદદથી ઇરાનને પાઠ શીખવશે. સાત ઓક્ટોબર 2023ના રોજ પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરાયેલા હુમલા બાદથી ઇઝરાયેલ ગાઝામાં ઇરાન સમર્થિત હમાસ અને લેબેનોનમાં હિઝબુલ્લાહ સામે લડી રહ્યું છે. તેણે સાથે જ યમન અને ઇરાકમાં આવેલા ઇરાન સમર્થિત જૂથોના હુમલાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. નેતાન્યાહૂએ કહ્યું હતું કે ઇરાનથી રહેલા ખતરા સામે લડવામાં ઇઝરાયેલ અને અમેરિકા સાથે છે.


