લંડનમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની કાર સામે ખાલિસ્તાની સમર્થકોએ પ્રદર્શન કર્યું હતું. તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. એક વીડિયો સામે આવ્યો છે જેમાં જય શંકરની કાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. તેમજ ભારતીય ત્રિરંગો ફાડીને તેનું અપમાન કરાયુ. ભારતે વિદેશ મંત્રીની સુરક્ષામાં આ મોટી ભૂલની કડક નિંદા કરી છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલનું નિવેદન સામે આવ્યું છે.
MEAનું નિવેદન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે અમે વિદેશ મંત્રીની લંડન મુલાકાત દરમિયાન સુરક્ષામાં ભંગ થઇ તેના ફૂટેજ જોયા છે. અમે અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓના આ નાના જૂથની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓની નિંદા કરીએ છીએ. આ ઘટના ત્યારે બની જ્યારે ભારતીય વિદેશ મંત્રી જયશંકર એક કાર્યક્રમમાં હાજરી આપીને જઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વાયર વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તેમની કાર તરફ દોડી ગયો અને ત્રિરંગો ફાડવાનો પ્રયાસ કર્યો. જોકે, ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તે વ્યક્તિને પકડી લીધો અને ત્યાંથી દૂર ખસેડ્યો હતો.
કેનેડા-યુકેમાં ખાલિસ્તાની કાર્યકરો સક્રિય
હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં, કેનેડા અને બ્રિટન જેવા દેશોમાં ખાલિસ્તાન સમર્થકો વધુ સક્રિય થયા છે. આના કારણે ભારતની ચિંતાઓ વધી ગઈ છે. ખાલિસ્તાન સમર્થકો અહીં દરરોજ કોઈને કોઈ ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા રહે છે. આવુ પહેલી વાર નથી જ્યારે ખાલિસ્તાની સમર્થકોએ બ્રિટનમાં પ્રદર્શન કર્યું હોય. વર્ષ 2023માં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય દૂતાવાસમાં ઘૂસીને હંગામો મચાવ્યો હતો. તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. તિરંગાને ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. દૂતાવાસની બહાર ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. જ્યારે આ બધું બ્રિટનમાં બન્યું ત્યારે ભારતીય મૂળના ઋષિ સુનક ત્યાંના વડા પ્રધાન હતા. કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાની સમર્થકોએ હંગામો મચાવ્યો હતો.


