અમેરિકાના કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ રીતે સતત બનતી ઘટનાઓએ હિન્દુઓ વિરુદ્ધ વધતી હિંસા પર પ્રકાશ પાડ્યો છે અને અમેરિકન પોલીસ મંદિરોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી હોવાના પણ સવાલો ઉઠ્યા છે. આ અંગે ભારત સરકારની પ્રતિક્રિયા સામે આવી છે.
વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા
ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને સંડોવાયેલા લોકો સામે “કડક કાર્યવાહી” કરવાની માંગ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું અમે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડના અહેવાલો જોયા છે. અમે આવા ઘૃણાસ્પદ કૃત્યોની સખત નિંદા કરીએ છીએ.
મંદિર મેનેજમેન્ટે ઘટના અંગે માહિતી આપી
BAPS એ પોતાની એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે આ વખતે ચિનો હિલ્સ કેલિફોર્નિયામાં એક વધુ મંદિરને અપિવત્ર કરવામાં આવ્યું, હિંદુ સમુદાય નફરત વિરુદ્ધ મજબૂતીથી ઉભો છે.
ચિનો હિલ્સ અને સધર્ન કેલિફોર્નિયાના સમુદાય સાથે અમે ક્યારેય નફરતના મૂળને જમાવવા દઇશું નહી. વધુમાં કહ્યું કે આપણી માનવતા અને આસ્થા તે સુનિશ્ચિત કરશે તે શાંતિ અને અને સંવદ્ભાવ કાયમ રહે.
અમેરિકાના હિંદુ સંગઠનની પ્રતિક્રિયા
ચિનો હિલ્સ પોલીસ વિભાગે હજુ સુધી હિન્દુ મંદિર પર થયેલા હુમલા અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. ઉત્તર અમેરિકાના હિન્દુઓના ગઠબંધન (CoHNA) એ આ ઘટનાની નિંદા કરી અને પોસ્ટ કરી, “બીજા હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી.” આ વખતે કેલિફોર્નિયાના ચિનો હિલ્સ સ્થિત પ્રતિષ્ઠિત BAPS મંદિરમાં. દુનિયામાં બીજો એક દિવસ એવો આવશે જ્યારે મીડિયા અને શિક્ષણવિદો આગ્રહ રાખશે કે હિન્દુ વિરોધી દ્વેષ નથી અને હિન્દુફોબિયા ફક્ત આપણી કલ્પનાની ઉપમા છે.
મંદિર પર પહેલા પણ હુમલો થયો
આવુ પહેલીવાર નથી બન્યુ કે મંદિરમાં તોડફોડ થઇ હોય. સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં BAPS હિન્દુ મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું હતું અને દિવાલ પર ‘હિન્દુઓ પાછા જાઓ!’ ના નારા લખવામાં આવ્યા હતા. તપાસમાં હજુ સુધી એ જાણી શકાયું નથી કે આરોપી કોણ છે.
સેક્રામેન્ટોની ઘટનાના લગભગ 10 દિવસ પહેલા, ન્યૂ યોર્કના મેલવિલેમાં આવેલા બીજા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું હતું અને નફરતભર્યા સંદેશાઓ લખવામાં આવ્યા હતા. ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાની સખત નિંદા કરી છે.


