ઓસ્ટ્રેલિયાના સિડની મહાનગર ખાતે બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની ઉપસ્થિતિમાં રંગોત્સવની ભવ્યરૂપે ઉજવણી થઈ. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ BAPS હિન્દુ મંદિરને લઈને કહ્યું કે આ મંદિર એ માત્ર ભક્તિનું સ્થાન નહીં, શાંતિ અને પવિત્રતાનું સ્થાન છે.
સિડની ખાતે બીએપીએસ મંદિરમાં રંગોત્સવની ઉજવણી
વધુમાં તેમણે કહ્યું કે “આજે આપણે એક એવા સ્થાનની ઉજવણી કરી રહ્યા છીએ જે આ દેશને મળેલી અમૂલ્ય ભેટ છે અને એ છે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર. સ્વામીજીના સંકલ્પ મુજબ આ ભવ્ય મંદિર અહીં આકાર લઈ રહ્યું છે. આ મંદિર એ માત્ર ભક્તિનું સ્થાન નહીં, શાંતિ અને પવિત્રતાનું સ્થાન છે. કોઈપણ ભેદભાવ વગર દરેકને ગૌરવનો અનુભવ થાય તેવું સ્થાન છે.
હિન્દુ સમુદાય આ દેશનું એક અભિન્ન અંગ
ઓસ્ટ્રેલિયાના સિડની મહાનગર ખાતે બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં તારીખ 15 માર્ચના રોજ મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની ઉપસ્થિતિમાં ભવ્યતાથી રંગોત્સવ ઉજવાયો હતો. મહંત સ્વામી મહારાજ વતી સંતોએ વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝનું પુષ્પહાર અને અમૃત કળશ દ્વારા સન્માન કર્યું હતું. આ પ્રસંગે બી.એ.પી.એસ. સંસ્થા અને મહંત સ્વામી મહારાજના કાર્યોથી પ્રભાવિત થઈ તેમણે પોતાની ભાવોર્મિઓ રજૂ કરતાં તેમણે કહ્યું કે “હિન્દુ સમુદાય આ દેશનું એક અભિન્ન અંગ છે.” “રંગોનો આ મહાન ઉત્સવ, સૌને આસુરી પર દૈવીના વિજયનો ઉત્તમ સંદેશ આપે છે. રંગોનો આ ઉત્સવ ભારતીયોએ ઓસ્ટ્રેલિયન કેલેન્ડરને આપેલી એક ઉત્તમ ભેટ છે.”
મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું
વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે કહ્યું કે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આવા પવિત્ર સ્થાન પર, આજના ખાસ ઉત્સવદિને મને આજે અહીં મારા સાથી સભ્યો સાથે આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. ઓસ્ટ્રિલયન લોકો વતી હું આપને કહેવા માંગુ છું કે આપનું અહીં સદાય સ્વાગત છે. ‘અહીં આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવું એ ખરેખર સદ્ભાગ્યની વાત છે. મહંત સ્વામી મહારાજનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. તેઓ જે સંદેશ આપે છે તે બધા જ ઓસ્ટ્રેલિયનવાસીઓ માટે છે કે બીજાના ભલામાં આપણું ભલું છે. સ્વામીજી, અમે આપના ખૂબ આભારી છીએ કે આપે ભારતથી અહીં પધારી આ ઉત્સવ માટે સિડની શહેરની પસંદગી કરી. બી.એ.પી.એસ. સંસ્થાના 115 કરતા વધુ વર્ષોના ઈતિહાસમાં આ લાભ બીજીવાર અમને મળી રહ્યો છે. દસ વર્ષ પહેલાં આપે જે જગ્યાને પ્રસાદીભૂત કરી હતી, આજે એ જ જગ્યાએ ઉપસ્થિત રહી અમે ધન્યતા અનુભવીએ છીએ.
ઓસ્ટ્રિલિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર
સ્વામીજીના સંકલ્પ મુજબ આ ભવ્ય મંદિર અહીં આકાર લઈ રહ્યું છે. આ મંદિર એ માત્ર ભક્તિનું સ્થાન નહીં, શાંતિ અને પવિત્રતાનું સ્થાન છે. કોઈપણ ભેદભાવ વગર દરેકને ગૌરવનો અનુભવ થાય તેવું સ્થાન છે. આ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થશે ત્યારે તે ઓસ્ટ્રિલિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર હશે. શાંતિની શોધ કરનારા સૌ કોઈ માટે આ એક અતુલ્ય સ્થાન હશે.
હિન્દુ સમુદાય આ દેશનું એક અભિન્ન અંગ છે. અને તેના માટે જેટલું કરીએ એટલું ઓછું છે. ઓસ્ટ્રિલિયા આજે જે કાંઈ પણ છે તેના કારણોમાં પેઢીઓથી આપ સૌએ ઓસ્ટ્રેલિયા માટે જે કર્યું છે તે પણ છે. અને આપ સૌ આ આધુનિક ઓસ્ટ્રિલિયાનો એક ખૂબ જ અગત્યનો ભાગ છો. સ્વામીજી શીખવે છે કે સંપ એ શક્તિ છે. જ્યારે સંપથી કાર્ય કરીએ છીએ ત્યારે કશું જ અશક્ય નથી.
ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અનહદ લગાવ
1991માં જ્યારે એક પ્રવાસી યુવાન તરીકે મે ભારતની પ્રથમ મુલાકાત લીધી ત્યારથી મને ભારત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અનહદ લગાવ રહ્યો છે. તેમાંય નવી દિલ્હી ખાતે અક્ષરધામની મુલાકાત મને આજે પણ યાદ છે. ઓસ્ટ્રિલિયામાં આ બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. હું માનું છું કે આ મંદિર ઓસ્ટ્રેલિયાના અક્ષરધામ તુલ્ય હશે. આપના સમુદાયમાં એક મહાન શક્તિ છે. બી.એ.પી.એસ.ના તમામ સ્વયંસેવકો અને આપના સમુદાયના સૌ સભ્યોએ આ માટે ગૌરવ અનુભવવું જોઈએ. સ્વામીજી, આપને પ્રણામ સાથે ઓસ્ટ્રેલિયામાં, આપના ઘરમાં, આપનું સ્વાગત છે.’
સનાતનધર્મની થઈ અનુભૂતિ
મહંત સ્વામી મહારાજે સિડની ખાતે મંદિરના વિશાળ પરિસરમાં, તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજની વિશાળ પ્રતિમાના પ્રાંગણમાં બેઠેલા દેશ-વિદેશના હજારો ભક્તો-ભાવિકોને ભક્તિરંગથી રંગ્યા હતા. આમ, ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય પરંપરા અને સનાતન ધર્મની અનુભૂતિ સાથે વડાપ્રધાને વિદાય લીધી હતી.
સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ
ઉલ્લેખનીય છે કે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સિડનીમાં નિર્માણાધીન બી. એ. પી. એસ. હિન્દુ મંદિર અને વિશાળ સાંસ્કૃતિક સંકુલના પ્રથમ અધ્યાય રૂપે ભગવાન સ્વામિનારાયણની તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી ધાતુમૂર્તિની વેદોક્ત પ્રાણપ્રતિષ્ઠા તારીખ 6 માર્ચના રોજ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે સંપન્ન થઈ હતી. ભગવાન સ્વામિનારાયણની 49 ફૂટ ઊંચી આ ધાતુમુર્તિ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં સૌથી ઊંચામાં ઊંચી સ્થાપિત થયેલી ધાતુમૂર્તિ છે.


