વિશ્વની પ્રથમ ક્રમાંકિત બેલારુસની આર્યના સબાલેન્કોએ બીજા સેટમાં સંઘર્ષ કર્યા બાદ ચીનની ઝેંગ ક્વિનવેનને 6-2, 7-5થી હરાવીને માયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
માયામી ખાતે પ્રથમ વખત અંતિમ-4માં પ્રવેશેલી સબાલેન્કોનો આગામી મુકાબલો ઇટાલીની જાસ્મિન પાઓલિની સામે થશે. સબાલેન્કો કારકિર્દીમાં 17મી વખત સેમિફાઇનલમાં પહોંચી છે.પાઓલિનીએ કોઇ પણ મુશ્કેલી વિના પોલેન્ડન મગ્દા લિનેટ્ટેને 6-3, 6-2થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. ગયા વર્ષે ફ્રેન્ચ ઓપન તથા વિમ્બલ્ડનની ફાઇનલ સુધી પહોંચેલી છઠ્ઠી ક્રમાંકિત પાઓલિની માયામી ઓપનની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી બની છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાની કોકો ગોફને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં બ્રિટનની ઇમા રાડૂકાનુ અમેરિકાની જેસિકા પેગુલા સામે તથા બીજી ક્રમાંકિત ઇગા સ્વિતાતેક ફિલિપાઇન્સની વાઇલ્ડ કાર્ડ ધરાવતી ટીનએજર એલેકસાન્દ્રા ઇલા સામે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. એલેકસાન્દ્રાએ ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન મેડિસન કિસને હરાવીને ટૂર્નામેન્ટમાં સનસનાટી મચાવી હતી.


