લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું છે. IPL 2025 માં લખનૌની આ પહેલી જીત છે. આ મેચમાં SRH ટીમે પહેલા બેટિંગ કરીને 190 રન બનાવ્યા, જેના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સે 23 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. LSGની જીતના સૌથી મોટા હીરો નિકોલસ પૂરન, મિચેલ માર્શ અને શાર્દુલ ઠાકુર હતા. હકીકતમાં, લખનૌની જીતનો પાયો ઠાકુરે નાખ્યો હતો, જેને 4 વિકેટ લઈને હૈદરાબાદની બેટિંગ લાઈન-અપની કમર તોડી નાખી હતી.
SRHની પોતાના જ ઘરમાં કારમી હાર
આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ જીતીને લખનૌનો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય સાચો સાબિત થયો. પહેલા તેને SRH ને 190 રનના સ્કોર સુધી મર્યાદિત રાખ્યું અને પછી નિકોલસ પૂરન અને મિચેલ માર્શની તોફાની ઈનિંગ્સને કારણે હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું. પૂરને 26 બોલમાં 70 રન બનાવ્યા, જે દરમિયાન તેને 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. તેના સિવાય મિચેલ માર્શના બેટે પણ સારું પ્રદર્શન કર્યું, જેને 31 બોલમાં 52 રન બનાવ્યા. આ મિચેલ માર્શની IPL 2025માં સતત બીજી અડધી સદી છે.


