પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. પાકિસ્તાનને પહેલી મેચમાં 73 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે સિરીઝમાં 0-1થી પાછળ રહી ગયું હતું.
હવે જો પાકિસ્તાને સિરીઝ બરાબર કરવી હોય તો તેને કોઈપણ કિંમતે બીજી વનડે મેચ જીતવી પડશે, નહીં તો તે સિરીઝ હારી જશે. પરંતુ બીજી વનડે પહેલા જ પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. ટીમનો સ્ટાર ખેલાડી ઉસ્માન ખાન ઈજાગ્રસ્ત થયો છે અને હવે તે આ મેચમાં રમી શકશે નહીં. આનાથી પાકિસ્તાનને મોટો ઝટકો પડ્યો છે.
ફિલ્ડિંગ કરતી વખતે તેને થઈ ઈજા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે ઉસ્માન ખાનને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બીજી વનડેમાંથી બહાર કરવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. એમઆરઆઈ સ્કેનમાં જાણવા મળ્યું કે તેની ઈજા ગંભીર નથી, પરંતુ તે હજુ પણ આગામી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. હવે જોવાનું એ છે કે તે ત્રીજી વનડે મેચ માટે ફિટ થશે કે નહીં.
ઈમામને મળી શકે છે તક
ઉસ્માન ખાને ન્યુઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેને સારી શરૂઆત કરી પણ મોટી ઈનિંગ્સ રમી શક્યો નહીં. તેને 33 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા. હવે તેની ગેરહાજરીમાં, ઈમામ ઉલ હકને બીજી વનડેમાં ઓપનિંગ કરવાની તક મળી શકે છે. ઈમામને પહેલી વનડેમાં રમવાની તક મળી ન હતી, પરંતુ હવે તે ટીમમાં સ્થાન બનાવી શકે છે.
19 રમી T20 આંતરરાષ્ટ્રીય મેચ
ભલે ઉસ્માન ખાને અત્યાર સુધી માત્ર એક જ વનડે રમી છે, આ પહેલા તે પાકિસ્તાન માટે 19 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ મેચોમાં તેને કુલ 239 રન બનાવ્યા છે અને એક અડધી સદી પણ ફટકારી છે.
ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે પાકિસ્તાન ટીમ
ઈમામ-ઉલ-હક, બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર) (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, ફહીમ અશરફ, ઈરફાન ખાન, અબરાર અહેમદ, નસીમ શાહ, મોહમ્મદ વસીમ જુનિયર, આકીફ જાવેદ, મોહમ્મદ અલી, સુફયાન મુકીમ, હરિસ રૌફ, ઉસ્માન ખાન (બીજી વનડેમાંથી બહાર).


