પંજાબ કિંગ્સે આઇપીએલની 13મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને તેના જ ઘરઆંગણે આઠ વિકેટે કારમો પરાજય આપ્યો હતો. મેચ બાદ સુકાની રિષભ પંત સાથે લખનઉના માલિક સંજીવ ગોયન્કાએ ગંભીરતાથી વાતચીત કરી હતી. સોશિયલ મીડિયામાં વધુ એક વખત આકરા શબ્દોની બોલાચાલી તથા ડરનો માહોલ છવાયો છે.
આ કારણથી સમર્થકોને ગયા વર્ષે લોકેશ રાહુલ સાથે ગોયન્કાએ કરેલા આક્રમણ વલણની ઘટનાનું પુનરાવર્તન થશે તેવું લાગી રહ્યું છે. ચર્ચા દરમિયાન ગોયન્કા પંત સામે આંગળી ચીંધતા પણ જોવા મળ્યા હતા. પંજાબ કિંગ્સના વિજય બાદ તેના સુકાની શ્રોયસ ઐયર સાથે મુલાકાત લીધી હતી અને તેને ગળે મળીને લાંબો સમય વાતચીત કરી હતી.
આ વાતચીત જોઈને કેટલાક લોકો અટકળ કરી રહ્યા છે કે ગોયન્કા ઐયરને લખનઉની ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે પંત પંજાબ સામે પાંચ બોલમાં બે રન બનાવી શક્યો હતો. તેણે ત્રણ ઇનિંગ્સમાં 26 બોલ રમ્યા છે અને તે માત્ર 17 રન બનાવી શક્યો છે. લખનઉની ટીમ પંતને ગયા વર્ષની મેગા હરાજીમાં 27 કરોડ રૂપિયાની જંગી રકમથી ખરીદ્યો હતો.


