યમનમાં હુથી વિદ્રોહી-નિયંત્રિત વિસ્તારો પર અમેરિકાના શંકાસ્પદ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા છે. હુથી વિદ્રોહીઓ અંગેના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. આંકડાઓ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન યમનમાં હુમલાની સંખ્યામાં વધારો થયો છે. અમેરિકા દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓમાં ઓછામાં ઓછા 67 લોકો માર્યા ગયા છે. જો કે, અભિયાન અને તેના લક્ષ્યો વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.
અમેરિકાએ કેટલા હુમલા કર્યા?
વ્હાઇટ હાઉસ (યુએસ પ્રમુખનું કાર્યાલય અને અધિકૃત નિવાસસ્થાન)ના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કુલ હુમલાઓની સંખ્યા 200થી વધુ ગણાવી છે. “આ હુમલાઓના પરિણામે ઈરાન ખૂબ નબળું પડી ગયું છે, અને અમે હુથી નેતાઓને માર્યા ગયેલા જોયા છે,” લેવિટે કહ્યું. જો કે, હુથી બળવાખોરોએ હજી સુધી તેમના કોઈપણ નેતાના મૃત્યુનો સ્વીકાર કર્યો નથી, અને યુએસએ માર્યા ગયેલા કોઈપણ બળવાખોર નેતાઓના નામ જાહેર કર્યા નથી. જો કે, ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ વચ્ચે લીક થયેલી વાતચીતમાં ખુલાસો થયો છે કે બળવાખોરોની મિસાઈલ ફોર્સના એક નેતાને નિશાન બનાવવામાં આવ્યા હતા.
હુથી બળવાખોરોએ અમેરિકાને આંચકો આપ્યો હતો
તાજેતરમાં જ યમનના હુથી વિદ્રોહીઓએ અમેરિકન ‘MQ-9 રીપર ડ્રોન’ને તોડી પાડવાનો દાવો કરાયો હતો. હુથી વિદ્રોહીઓએ આ ડ્રોનને મારીબ પ્રાંતમાં છોડવાનો દાવો કર્યો હતો. મારીબ પ્રાંત એક મહત્વપૂર્ણ વિસ્તાર છે કારણ કે તેમાં મોટા તેલ અને ગેસ ક્ષેત્રો આવેલા છે.
હુથિઓ પર હુમલા ચાલુ રહેશે
આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુથીઓ અને તેમના મુખ્ય આશ્રયદાતા ઈરાનને નિશાન બનાવતા સોશિયલ મીડિયા વેબસાઈટ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે, “હુથીઓના ઘણા લડવૈયાઓ અને નેતાઓ માર્યા ગયા છે. અમે દિવસ-રાત હુથીઓ પર હુમલો કરી રહ્યા છીએ, જેથી આ ક્ષેત્રમાં સુરક્ષા જળવાઈ રહે અને દરિયાઈ માર્ગો જોખમમાં ન આવે.” ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી હુથી વિદ્રોહીઓનો આતંક દરિયાઈ માર્ગોની આઝાદીને ખતરો આપતો રહેશે ત્યાં સુધી અમેરિકા હુથી વિદ્રોહીઓ પર હુમલો કરવાનું ચાલુ રાખશે.


