મોહમ્મદ શમીની બહેન અને તેના બનેવી છેતરપિંડીમાં ફસાયા હોવાનું જાણવા મળ્યુ છે. છેતરપિંડીના કેસની તપાસમાં કુલ 18 નામો પ્રકાશમાં આવ્યા છે. આ બધા પર મનરેગા હેઠળ ગેરકાયદેસર રીતે પૈસા લેવાનો આરોપ છે. પોલીસ આ મામલે નિષ્પક્ષ તપાસ કરી રહી છે. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં તો IPL 2025 રમવામાં વ્યસ્ત છે.
શમીની બહેન છેતરપિંડીમાં ફસાઈ
મોહમ્મદ શમી તેની અંગત જીવનને કારણે હમેંશા ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં ફરી તેના ઘરના સભ્યોના નામ ચર્ચામાં આવ્યા છે. બહેન અને જીજાનું નામ છેતરપિંડી કેસમાં સામે આવ્યુ છે. બહેન અને બનેવી ઉપરાંત, શમીના કેટલાક અન્ય સંબંધીઓ સહિત કુલ 18 લોકો છેતરપિંડીમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં, આ બધા પર મનરેગા હેઠળ ગેરકાયદેસર રીતે પૈસા લેવાનો આરોપ છે.
છેતરપિંડીની તપાસમાં ખુલાસો
જિલ્લા ડીએમ નિધિ ગુપ્તા વત્સે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મનરેગામાં નાણાંની વહેંચણીમાં છેતરપિંડી થઈ છે. આમાં દોષિત ગણાતા કામદારોને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે, તેમની સામે પંચાયત રાજ કાયદા હેઠળ પોલીસ રિપોર્ટ પણ દાખલ કરવામાં આવ્યો છે.
શમીની બહેન અને બનેવી સહિત 18 લોકો ફસાયા
ડીએમના જણાવ્યા અનુસાર, સ્થાનિક અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી આ મામલાની તપાસમાં કુલ 18 લોકોના નામ બહાર આવ્યા છે. જેઓ કોઈ પણ કામ કર્યા વિના મનરેગા ભથ્થામાંથી પૈસા લઈ રહ્યા હતા. તે 18 લોકોમાં મોહમ્મદ શમીની મોટી બહેન શબીના, તેના પતિ ગઝનવી, ત્રણ સાળા આમિર સુહેલ, નસીરુદ્દીન અને શેખુનો સમાવેશ થાય છે. ડીએમએ વધુમાં જણાવ્યું કે તેમાં ગામના વડા ગુલે આયેશાની પુત્રી અને પુત્રોના નામ પણ શામેલ છે.
કામ કર્યા વિના પૈસા ભેગા કર્યા
ગામના વડા હોવા ઉપરાંત, ગુલે આયેશા મોહમ્મદ શમીની બહેનની સાસુ પણ છે. તે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પણ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 18 લોકોના નામ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું, તેમના મનરેગા જોબ કાર્ડ જાન્યુઆરી 2021માં તૈયાર કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2024-25 સુધી તેમના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ભલે તેમણે એક પણ દિવસ કામ કર્યું ન હોય. ડીએમએ ગામના વડાના ખાતાને સીલ કરવા અને પૈસા વસૂલ કરવા સૂચના આપી છે. મનરેગામાં ગેરરીતિઓ અંગે ઘણા મીડિયા અહેવાલો સામે આવ્યા હતા. જેના પછી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગામના વડા ઉપરાંત, ગ્રામ વિકાસ અધિકારી અને સહાયક કાર્યક્રમ અધિકારી પણ દબાણ હેઠળ છે. તેની પણ તપાસ ચાલી રહી છે.


