BCCIને ભારતીય ક્રિકેટના ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. નવા કોન્ટ્રાક્ટમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. સૌથી મોટી વાત એ છે કે, ઈશાન કિશન અને શ્રેયશ ઐયરને આ કોન્ટ્રાક્ટમાં ફરીવાર સ્થાન મળ્યું છે. જ્યારે કેટલાક એવા પણ ખેલાડીઓ છે જેમને આ કોન્ટ્રાક્ટમાં પ્રથમવાર સ્થાન મળ્યું છે. ભારતીય પુરૂષ ક્રિકેટરોનો આ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર 2024થી 30 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં છે.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં 34 ખેલાડીઓને ચાર ગ્રેડમાં વહેંચી દેવાયા
BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં 34 ખેલાડીઓને ચાર ગ્રેડમાં વહેંચી દેવાયા છે. દરેક ખેલાડીને તેના ગ્રેડ પ્રમાણે વાર્ષિક રકમ BCCI તરફથી આપવામાં આવશે. સૌથી વધુ સાત કરોડ રૂપિયા A+ ગ્રેડના ખેલાડીઓને મળે છે. જ્યારે A ગ્રેડમાં પાંચ કરોડ રૂપિયા મળે છે. જ્યારે B ગ્રેડના ખેલાડીઓને ત્રણ કરોડ રૂપિયા અને C ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક એક-એક કરોડ રૂપિયા મળે છે.
A+ ગ્રેડમાં ચાર ખેલાડીઓને સ્થાન આપ્યું
BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં A+ ગ્રેડમાં ચાર ખેલાડીઓને સ્થાન આપ્યું છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે A ગ્રેડમાં 6 ખેલાડીઓને સામેલ કરાયા છે. જેમાં મોહમ્મદ સિરાજ, કે એલ રાહુલ, શુભમન ગીલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને ઋષભ પંતનો સમાવેશ થાય છે.
બી ગ્રેડમાં શ્રેયસ ઐયરને ફરી સ્થાન મળ્યું
નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં બી ગ્રેડમાં શ્રેયસ ઐયરને ફરી સ્થાન મળ્યું છે. તેના સિવાય આ ગ્રેડમા સામેલ ચાર ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલ છે. જ્યારે સી ગ્રેડમાં 19 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જેમાં ઈશાન કિશન, રિંકૂ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજૂ સેમસન, અર્થદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ,સરફરાજ ખાન, નીતીશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, આકાશદીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે.


