ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવની અસર દેખાવા લાગી છે. ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ કારણે, પાકિસ્તાન સુપર લીગની 10મી સીઝનની બધી મેચો ખસેડવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પીએસએલની બાકીની મેચો હવે ફક્ત કરાચીમાં જ આયોજિત કરવામાં આવશે.
આ સિવાય રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ નજીક ડ્રોન હુમલો પણ કરવામાં આવ્યો છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હવે પીએસએલની બધી મેચ કરાચીમાં રમાશે.
ડ્રોન હુમલાથી ભયનો માહોલ
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશને બુધવારે સવારે પરિસ્થિતિની ચર્ચા કરવા માટે એક ઈમરજન્સી બેઠક યોજી હતી.
આ વર્ષે PSLમાં 7 ઈંગ્લેન્ડના ખેલાડીઓ રમી રહ્યા છે. આ ખેલાડીઓ છે – જેમ્સ વિન્સ, ટોમ કુરન, સેમ બિલિંગ્સ, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, લ્યુક વુડ અને ટોમ કોહલર-કેડમોર. રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમથી માત્ર 100 મીટર દૂરના વિસ્તારને, જ્યાં પીએસએલ મેચ યોજાવાની હતી, તેને ડ્રોન દ્વારા એટેક કરવામાં આવ્યો હતો.
ઈંગ્લેન્ડના ખેલાડીઓ ડરી ગયા
જોકે, ઇંગ્લેન્ડના ખેલાડીઓને ડર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે. એટલા માટે તે પીએસએલ છોડીને પોતાના દેશ પાછા જવા માંગે છે. 7 મેના રોજ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી છાવણીઓ પર હુમલા કર્યા. આ હુમલો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો. આ હુમલામાં 25 ભારતીય અને 1 નેપાળી નાગરિકનું મોત થયું હતું. ભારતે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ભારતે ખાતરી કરી કે નાગરિકોને કોઈ નુકસાન ન થાય.
પહલગામ હુમલા પછી ભારતનો હવાઈ હુમલો
22 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને તેમની હત્યા કરી દીધી. જે બાદ સમગ્ર ભારતમાં પાકિસ્તાન સામે ગુસ્સો જોવા મળ્યો. હવે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને યોગ્ય જવાબ આપ્યો.


