ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલા બાદ આતંકવાદીઓના કમાન્ડરોને મારી નાંખવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં એક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ ડ્રોન હુમલામાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઇદનો મુખ્ય સાથી મુખ્તિયાર અહમદ માર્યો ગયો હતો. આ આતંકવાદી કમાન્ડર સતત હાફિઝ સઇદના પુત્ર સાથે રહેતો હતો. મુખ્તિયાર અહમદ પર હાફિઝ સઇદ સૌથી વધુ વિશ્વાસ કરતો હતો.
ભારતનો પાડોશી દેશને જડબાતોડ જવાબ
ત્રણ દિવસ પહેલા તલ્હા સઇદ પાકિસ્તાનમાં ભારતની નિંદા કરી રહ્યો હતો. અને સાથે જ ભારતને વધુ પરિણામ ભોગવવા માટે ધમકીઓ આપી ઝેર ઓકી રહ્યો હતો. પરંતુ ભારત દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલા બાદ તલ્હા સઇદ ગુમ છે. તો આ તરફ, પાકિસ્તાની સેનાએ તેને પોતાના સેન્ટરમાં રોકી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
આતંકનો નવો આકા તલ્હા સઇદ
તલ્હા સઇદે પોતાના પિતા હાફિઝ સઇદની ધરપકડ બાદ મુઝફ્ફરાબાદ ટેરર કેમ્પની કમાન સંભાળી હતી. તલ્હા આતંકી ટ્રેનિંગ, ફંડિંગ નેટવર્ક અને ઓપરેશનલ પ્લાનિંગનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવતો હતો. ભારતની ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા મુજબ, જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના આતંકવાદીઓએ અહીંથી જ ટ્રેનિંગ લીધી હોવાનું સામે આવ્યુ છે. તલ્હા વિદેશમાંથી ફંડિંગ મેળવતો હતો. અને સાથે જ સોશિયલ મીડિયા પર ધાર્મિક દાનના નામે પણ પૈસા લેતો હતો. આ નાણાં ભંડોળ તલ્હા હથિયાર અને હુમલાઓની યોજનામાં વાપરતો હતો.


