ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં પાકિસ્તાન સુપર લીગમાં રમી રહેલા વિદેશી ક્રિકેટરોના જીવ જોખમમાં હતા. પાકિસ્તાનમાં સંભવિત મિસાઇલ હુમલામાં 4 ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો માંડ માંડ બચી ગયા છે. અહેવાલ મુજબ, સીન એબોટ, બેન દ્વારશુઇસ, એશ્ટન ટર્નર અને મિચ ઓવેનને ચાર્ટર ફ્લાઇટ દ્વારા દુબઈ લઈ જવામાં આવ્યા હતા. તે બધા સમયસર ત્યાંથી નીકળી ગયા કારણ કે ખેલાડીઓ ગયાના થોડા કલાકો બાદ ભારતીય સેનાએ કથિત રીતે તે જ લશ્કરી બેઝને નિશાન બનાવ્યું હતું.
આ 4 ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો માંડ-માંડ બચ્યા
IPL અને PSLમાં ભાગ લઈ રહેલા ઘણા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો રવિવાર સુધીમાં ઓસ્ટ્રેલિયા પાછા ફરવાની આશા રાખી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે બંને ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. IPL કરાર હેઠળ રહેલા પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને ટ્રેવિસ હેડને BCCI દ્વારા ઓસ્ટ્રેલિયા પાછા ફરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધર્મશાલા નજીક હવાઈ હુમલાની ચેતવણી બાદ BCCIએ IPL મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.
ટુર્નામેન્ટ સત્તાવાર રીતે મુલતવી રાખી
PSLમાં સામેલ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ શુક્રવારે સાંજે (સ્થાનિક સમય) પાકિસ્તાનથી સુરક્ષિત રીતે નીકળી ગયા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટુર્નામેન્ટ સત્તાવાર રીતે મુલતવી રાખવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શુક્રવારે રાત્રે ઓસ્ટ્રેલિયન અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે એક ચાર્ટર ફ્લાઇટનું આયોજન કર્યું હતું, જે ઇસ્લામાબાદથી દુબઈ જવા રવાના થઈ હતી. શનિવારે ખેલાડીઓને તેમના ઘરે પહોંચાડવા માટે દુબઈથી કનેક્ટિંગ ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.
ક્યારેય ન ભૂલી શકાય તેવી બની
સીન એબોટ, બેન દ્વારશુઇસ, એશ્ટન ટર્નર અને મિચ ઓવેન માટે આ ઘટના ક્યારેય ન ભૂલી શકાય તેવી બની ગઈ હતી. શનિવારે સવારે વિદેશી ખેલાડીઓ ચાર્ટર ફ્લાઇટમાં રવાના થયાના થોડા કલાકો પછી, ભારતે નૂર ખાન એરબેઝ સહિત ત્રણ પાકિસ્તાની એરબેઝ પર મિસાઇલ હુમલો કર્યો હોવાનો આરોપ છે. ખેલાડીઓ, અધિકારીઓ અને પ્રસારણકર્તાઓ આ સ્થળે હાજર હતા અને લગભગ ત્રણ કલાક પહેલા જ યુએઈ જવા રવાના થઈ ગયા હતા.
પાકિસ્તાનના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનના લશ્કરી મુખ્યાલયની નજીક અને ઇસ્લામાબાદથી લગભગ 10 કિમી દૂર સ્થિત નૂર ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘણા વિસ્ફોટ થયા હતા અને પછી આગના અહેવાલો પ્રકાશમાં આવ્યા હતા. જેમણે તે જોયું તેઓએ કહ્યું કે ધુમાડો નીકળી રહ્યો હતો અને આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી જેનાથી આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
આ ઘટનાથી બધા હચમચી ગયા
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર પહેલાથી જ ઓસ્ટ્રેલિયા પરત ફર્યા હતા. તે બાકીના ખેલાડીઓ સાથે ફ્લાઇટમાં નહોતા. પાકિસ્તાનમાં બનેલી ઘટનાથી ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ હચમચી ગયા હતા. ‘સીન અને બેન હવે દુબઈમાં સુરક્ષિત છે ‘એબોટ અને દ્વારશુઇસના મેનેજર પીટર લોવિટે અહેવાલમાં જણાવ્યું હતું કે,’તેઓ સિડની જવાની તૈયારીમાં હોટેલમાં આરામ કરી રહ્યા છે.”


