અમેરિકા દરેકને હેરાન કરવાનું કામ કરી રહ્યું છે.પહેલા બધા દેશો પર ટેરિફ લાદ્યો, પછી તેને 90 દિવસ માટે બંધ રાખ્યો હતો.ચીન પર ભારે કર લાદ્યા, પરંતુ હવે તેની સાથે વાટાઘાટો કરી રહ્યા છે. એવું લાગે છે કે તે ભારત સાથે ખૂબ જ સારો વ્યવહાર કરી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી જ છે.
અમેરિકાએ ભારતમાંથી નિકાસ થતા સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ટેરિફ લાદ્યો છે, જે WTOના નિયમોની વિરુદ્ધ છે, જોકે ટેરિફ અંગે બંને વચ્ચે હજુ સુધી કોઈ સત્તાવાર સોદો થયો નથી. હવે ભારતે પણ અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપવાની યોજના બનાવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતે વિશ્વ વેપાર સંગઠનમાં અમેરિકાથી આવતા 29 ઉત્પાદનો પર વધારાનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
29 અમેરિકી વસ્તુઓ પર વધારાને ટેરિફ
ભારતે જે 29 ઉત્પાદનો પર વધારાનો ટેરિફ લગાવાની રજુઆત કરી હતી સફરજન, બદામ, નાસપતી, તેમજ એન્ટિ-ફ્રીઝિંગ ઉત્પાદનો, બોરિક એસિડ અને લોખંડ અને સ્ટીલથી બનેલી અમુક વસ્તુઓનો સમાવેશ થાય છે. અમેરિકાએ ટેરિફ લાદવા અંગે કહ્યું છે કે આ ટેરિફ તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી છે. પરંતુ ભારત માને છે કે આ ટેરિફ WTOના નિયમોની વિરુદ્ધ છે. ભારતનું કહેવું છે કે અમેરિકાના આ પગલાથી ભારતમાંથી 7.6 બિલિયનની આયાત પર અસર પડશે, જેના કારણે ભારતને 1.91 બિલિયનનું નુકસાન થશે.
વેપાર સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ
આ સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને ભારતે બદલાના પગલા તરીકે અમેરિકાથી આવતા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ વધારવાનો નિર્ણય લીધો છે. આ એક પ્રકારનો વેપાર સંતુલન બનાવવાનો પ્રયત્ન છે. ભારતે WTOને જણાવ્યું હતું કે 30 દિવસ પછી આ ટેરિફ લાદી શકે છે અને જો જરૂરી હોય તો ટેરિફ દરોમાં ફેરફાર કરી શકે છે. ભારતનું કહેવું છે કે અમેરિકાએ WTOના નિયમોનું પાલન નથી કર્યું કારણ કે તેણે આ ટેરિફ લાદતા પહેલા WTOને જાણ કરી ન હતી.
ભારતને પણ ટેરિફ લાદવાનો અધિકાર છે
ભારત માને છે કે અમેરિકાના આ પગલાં WTO વેપાર નિયમો ની વિરુદ્ધ છે. તેથી, ભારત હવે અમેરિકાથી આવતા કેટલાક ઉત્પાદનો પર કર વધારવાની તૈયારી કરી રહ્યું છે, જેથી વેપારમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી શકાય. ભારતે WTO ને જણાવ્યું છે કે તે આ કર લાદવાનો અધિકાર અનામત રાખે છે અને જો જરૂરી હોય તો ભવિષ્યમાં આ નિયમોમાં ફેરફાર અથવા વધારો કરી શકે છે.
ભારતીય વેપાર અધિકારીઓ કરશે ટૂંક સમયમાં ચર્ચા
ભારતનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાએ ભારત અને અન્ય ઘણા દેશો (ચીન સિવાય) પર 10 ટકાનો વધારાનો કર લાદ્યો છે. જોકે, ભારત માટે 26 ટકા સુધીનો વધુ કર લાદવાની યોજના 9 જુલાઈ સુધી બંધ રાખવામાં આવી છે.
બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે વાતચીત ચાલી રહી છે. બંને દેશો 2030 સુધીમાં પરસ્પર વેપાર 500 અબજ ડોલર સુધી વધારવાના લક્ષ્ય પર કામ કરી રહ્યા છે. ભારતીય વેપાર અધિકારીઓ ટૂંક સમયમાં આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમેરિકાની મુલાકાતે જવાના છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ભારતના નવા પ્રસ્તાવ પર અમેરિકા તરફથી શું પ્રતિભાવ મળે છે.


