IPL 2025 ટુર્નામેન્ટ 17 મેથી ફરી શરૂ થવા જઈ રહી છે, જેમાં હજુ 17 મેચ રમવાની બાકી છે. પહેલી મેચ બેંગલુરુમાં આરસીબી અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. જ્યારે IPL 2025 સ્થગિત કરવામાં આવી હતી, ત્યારે મોટાભાગના વિદેશી ખેલાડીઓ પોતપોતાના દેશોમાં પાછા ફર્યા હતા.
આ પરિસ્થિતિમાં, ટીમોની ચિંતા વધી ગઈ હતી કે આંતરરાષ્ટ્રીય શેડ્યુલને ધ્યાનમાં રાખીને, કયા ખેલાડીઓ IPL 2025 માં પાછા ફરશે અને કયા નહીં? હવે RCB એ જાહેરાત કરી છે કે તેના કયા ખેલાડીઓ પાછા ફર્યા છે.
RCB માટે રાહતના સમાચાર
RCB એ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એવા ખેલાડીઓના ફોટા શેર કર્યા છે, જેઓ IPL 2025માં તાલીમ પર પાછા ફર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે સૌથી મોટી રાહત જોશ હેઝલવુડ પરત ફર્યો છે, જે તાજેતરમાં ખભાના દુખાવાથી પીડાઈ રહ્યો હતો. હેઝલવુડ ભારત પરત ફર્યો છે, જેને IPL 2025 માં RCB માટે અત્યાર સુધીમાં 18 વિકેટ લીધી છે.
ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ફક્ત 2 મેચમાં 67 રન બનાવનાર જેકબ બેથેલ પણ ભારત પરત ફર્યો છે અને ટીમના અનુભવી ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ પરિસ્થિતિમાં, તે ટુર્નામેન્ટના અંત સુધી RCB ટીમમાં રમતા જોઈ શકાય છે.
લુંગી એન્ગીડીએ RCB માટે પોતાની છેલ્લી મેચ રમી હતી, જેમાં તેને 3 વિકેટ લીધી હતી. તે આગામી બધી મેચોમાં નિયમિતપણે પ્લેઈંગ ઈલેવનમાં રમી શકે છે. ફિલ સોલ્ટ અને ટિમ ડેવિડ પણ આરસીબી ટીમમાં ફરી જોડાયા છે. આ દરમિયાન ઘાતક ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડ પણ ભારત પરત ફર્યો છે. શેફર્ડનો ઈંગ્લેન્ડ સામેની આગામી ODI અને T20 સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં, શક્ય છે કે શેફર્ડ RCB માટે પ્લેઓફ મેચો ન રમે.
બીજા સ્થાને છે RCB
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ હાલમાં IPL 2025 ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 11 મેચમાં 8 જીત બાદ, તેમના 16 પોઈન્ટ છે અને તેમને હજુ પણ લીગ સ્ટેજમાં 3 વધુ મેચ રમવાની છે. તમને જણાવી દઈએ કે RCB ને હજુ પણ કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક-એક મેચ રમવાની છે. લીગ સ્ટેજમાં બીજી જીત આરસીબીનું પ્લેઓફમાં સ્થાન સુનિશ્ચિત કરી શકે છે.


