જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જેના પર ભારતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલોને હવામાં તોડી પાડ્યા.
આ પછી, બંને દેશો વચ્ચે DGMO સ્તરે વાતચીત થઈ, જેમાં સીઝફાયર પર સંમતિ સધાઈ. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે દાવો કર્યો હતો કે સીઝફાયર 18 મે સુધી ચાલુ રહેશે. ભારતે પણ આ દાવા અંગે નિવેદન આપ્યું છે.
યુદ્ધવિરામ લંબાવવાનો લેવામાં આવ્યો નિર્ણય
મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે જણાવ્યું હતું કે સંઘર્ષ રોકવા માટે 10 મેના રોજ ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે યુદ્ધવિરામ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યુદ્ધવિરામ કરાર 18 મે સુધી રહેશે. તેમને કહ્યું કે બંને દેશોની સેનાઓ વચ્ચે ટેલિફોન વાતચીત દરમિયાન, દેશની સેનાએ ભારત સાથે રવિવાર સુધી યુદ્ધવિરામ લંબાવવા સંમતિ આપી છે.
ભારતીય સેનાએ આપ્યો જવાબ
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારના દાવા પર ભારતીય સેનાએ નિવેદન જાહેર કર્યું. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે 10 મે 2025 ના રોજ ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે થયેલી સંમતિ મુજબ સતર્કતાના સ્તરને ઘટાડવા માટે વિશ્વાસ નિર્માણના પગલાં ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
યુદ્ધવિરામ ચાલુ રાખવા પર સધાઈ સંમતિ
ઈશાક ડારે નેશનલ એસેમ્બલીને જણાવ્યું હતું કે 10 મેના રોજ થયેલી વાતચીતમાં 12 મે સુધી યુદ્ધવિરામ કરાર પર સંમતિ સધાઈ હતી. 12 મેના રોજ બંને દેશો વચ્ચે થયેલી વાતચીતમાં 14 મે સુધી યુદ્ધવિરામ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 14 મેના રોજ થયેલી વાતચીતમાં 18 મે સુધી યુદ્ધવિરામ ચાલુ રાખવા પર સંમતિ સધાઈ હતી.