ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. હવે આખરે 17 મેથી ટુર્નામેન્ટ ફરી શરૂ થવા જઈ રહી છે, જેના પહેલા બધી ટીમોમાં ઉથલપાથલ છે.
હકીકતમાં, જ્યારે IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી, ત્યારે મોટાભાગના વિદેશી ખેલાડીઓ પોતપોતાના દેશોમાં પાછા ફર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શેડ્યૂલ પર નજર કરીએ તો, કેટલાક ખેલાડીઓ IPL રમવા માટે ભારત પાછા આવશે અને કેટલાક નહીં. આ પરિસ્થિતિમાં, ટુર્નામેન્ટમાં રિપ્લેસમેન્ટ માટે કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે.
IPL 2025માં રિપ્લેસમેન્ટનો નવો નિયમ
IPL 2025 ફરી શરૂ થયા પછી ઘણા ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે નહીં. કેટલાક ખેલાડીઓ એવા હશે જે લીગ સ્ટેજની મેચ રમી શકશે પરંતુ પ્લેઓફમાં નહીં પહોંચી શકે. આ પરિસ્થિતિમાં, નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે સિઝનની મધ્યમાં રિપ્લેસમેન્ટ તરીકે લાવવામાં આવેલા ખેલાડીઓને ટીમ આગામી સિઝનમાં રિટેન કરી શકશે નહીં.
IPL 2025ના સસ્પેન્શન પહેલા BCCI દ્વારા મંજૂર કરાયેલા રિપ્લેસમેન્ટ ખેલાડીઓને આગામી સીઝન માટે રિટેન કરી શકાય છે. આનો સ્પષ્ટ અર્થ એ થયો કે સસ્પેન્શન પછી રિપ્લેસમેન્ટ તરીકે આવનારા ખેલાડીઓએ આગામી સિઝનમાં ઓક્શનનો દરવાજો ખટખટાવવો પડશે.
કોણ પાછું આવશે અને કોણ નહીં?
IPL 2025 ટુર્નામેન્ટ 17 મેથી ફરી શરૂ થશે. તે પહેલાં, સૌથી મોટો સવાલ એ છે કે કયા વિદેશી ખેલાડીઓ ભારત પાછા આવશે અને કયા નહીં? જોસ બટલર વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝને કારણે પ્લેઓફ મેચો ગુમાવી શકે છે, જ્યારે ગુજરાત ટાઈટન્સના તેના સાથી ખેલાડી કાગીસો રબાડા WTC ફાઈનલને કારણે બાકીની મેચોમાંથી બહાર થઈ શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને જોશ હેઝલવુડની હાજરી પર પ્રશ્નાર્થ છે, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડ IPL 2025 ની બાકીની મેચો રમી શકે છે.
માર્કો જેન્સન, વિલ જેક્સ અને મિચેલ સ્ટાર્ક જેવા મોટા નામો પણ શંકાના દાયરામાં છે. લખનૌ સુપર જાયન્ટ્સના મુખ્ય ખેલાડીઓમાંના એક, એડન માર્કરામ પણ અન્ય મેચો માટે ઉપલબ્ધ ન હોઈ શકે.


