રોહિત શર્માને મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા ખાસ સન્માન આપવામાં આવ્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં હિટમેનના નામ પર એક સ્ટેન્ડ બનાવવામાં આવ્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. IPL 2025 દરમિયાન હિટમેનને આ ખાસ સન્માન મળ્યું છે. રોહિત શર્મા હવે એવા મહાન ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગયો છે જેમના નામે વાનખેડે સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે.
રોહિત શર્મા જોડાયો ખાસ ક્લબમાં
રોહિત પહેલા, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને વિજય મર્ચન્ટના નામ પર સ્ટેન્ડ હતા. હવે આ યાદીમાં રોહિત શર્માનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ ખાસ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અનેક અધિકારીઓ, રોહિત શર્માના માતા-પિતા અને તેમની પત્ની રિતિકા હાજર રહ્યા હતા. આ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રોહિતે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હવે તે ભારત માટે ફક્ત ODI ફોર્મેટમાં જ જોવા મળશે.
હિટમેનનું ભાવનાત્મક નિવેદન
આ કાર્યક્રમ દરમિયાન રોહિત શર્મા ભાવુક થઈ ગયા અને કહ્યું કે આ ક્ષણ તેમના માટે ખૂબ જ ખાસ અને અવિશ્વસનીય છે. જેની તેમણે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હતી. આ માટે તેણે પોતાના માતા-પિતા, કોચ અને ચાહકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં લોકો મોટેથી ‘મુંબઈના રાજા રોહિત શર્મા’ ના નારા લગાવે છે. ત્યારે તે ફક્ત તેની રમતને જ નહીં પરંતુ મુંબઈના લોકોના હૃદયમાં તેનું વિશેષ સ્થાન પણ દર્શાવે છે.
રોહિતે સ્થાનિક ટુર્નામેન્ટમાં પણ મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત, તેને ભારત માટે એક સફળ કેપ્ટન તરીકે પણ જોવામાં આવે છે. હિટમેનની કેપ્ટનશીપ હેઠળ, ભારતે 2024માં T-20 વર્લ્ડકપ અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે.


