અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય પોતાના નામે કર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે, આ એક મોટી સફળતા છે. પરંતુ મને તેનો શ્રેય ક્યારેય આપવામાં આવશે નહીં. અમેરિકાના હસ્તક્ષેપને કારણે વિશ્વ અને ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધથી બચી ગયા છે. બંને દેશો વચ્ચે ઘણી નફરત છે અને આ વખતે તણાવ એટલી ચરમસીમાએ પહોંચી ગયો હતો કે તેનું પરિણામ પરમાણુ યુદ્ધમાં આવ્યું હોત.
ભારતે ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો કર્યો ઇનકાર
ભારત સરકારે પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે કોઈપણ ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો ઇનકાર કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે વાત કરીને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવી શકે છે. ટ્રમ્પે ટ્વીટ કરીને બંને દેશોને કાશ્મીર મુદ્દાના ઉકેલમાં મદદ કરવાની ઓફર કરી હતી. પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથેના વિવાદને ઉકેલવા માટે કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી. ભારતે પાકિસ્તાન સાથે ફક્ત પરસ્પર વાતચીત દ્વારા જ યુદ્ધવિરામ કર્યો છે. આ કેસમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નહોતી. અલબત્ત, ટ્રમ્પ આ કરારનો શ્રેય લઈ રહ્યા છે. પરંતુ ભારત સરકાર ટ્રમ્પના દાવાને સ્વીકારી રહી નથી.
4 દિવસના લશ્કરી સંઘર્ષ પછી યુદ્ધવિરામ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું હતું. પાકિસ્તાન અને પીઓકેમાં હવાઈ હુમલા કરીને, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા હતા. હવાઈ હુમલાના બદલામાં, પાકિસ્તાને ભારત પર ડ્રોન મિસાઈલ હુમલા કર્યા હતા. પાકિસ્તાને ચાર સરહદી રાજ્યો પંજાબ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતને નિશાન બનાવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ 7 મે થી 10 મે સુધી ચાલ્યા હતા. 10 મેના રોજ, બંને દેશોના ડીજીએમઓ વચ્ચેની વાતચીત બાદ યુદ્ધવિરામ થયુ હતુ.


