ઈંગ્લેન્ડ ટેસ્ટ પ્રવાસ પર પહોંચતાની સાથે જ ભારતીય બેટ્સમેન કરુણ નાયરે બેટથી જોરદાર ધમાલ મચાવી દીધી. 9 વર્ષ પછી ભારતની ટેસ્ટ ટીમમાં પોતાની વાપસી કરનાર કરુણે આ મોકાનો ભરપૂર ફાયદો ઉપાડીને ઈંગ્લેન્ડની સામે ભારત તરફથી જોરદાર સદી ફટકારી. કરુણે આ પ્રેક્ટિસ મેચમાં શાનદાર વાપસી કરીને ૧૫૨ બોલમાં પોતાની સદી પૂરી કરી.કરુણને બીજા છેડેથી સરફરાઝ ખાનનો પણ સારો સાથ મળ્યો. જોકે, સરફરાઝ પોતાની સદી ચૂકી ગયો અને 92 રન બનાવીને આઉટ થઈ ગયો.
કરુણે શાનદાર સદી ફટકારી
આ પ્રેક્ટિસ મેચ દરમ્યાન ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારત તરફથી ઇનિંગની શરૂઆત કરવા માટે યશસ્વી જયસ્વાલ અને અભિમન્યુ ઈશ્વરન મેદાનમાં ઉતર્યા. અભિમન્યુની બેટિંગમાં અસ્થિર રહી તે માત્ર 8 રન બનાવીને આઉટ થયો. યશસ્વી જયસ્વાલે કેટલાક સારા શોટ માર્યા, પરંતુ અંતમાં તે પણ 24 રન બનાવીને આઉટ થયો. આ પછી કરુણ નાયર અને સરફરાઝ ખાને જવાબદારી સંભાળી. બંનેએ ત્રીજી વિકેટ માટે 181 રન ઉમેર્યા. કરુણ ઉત્તમ ફોર્મમાં દેખાયો અને તેણે ઇંગ્લિશ બોલરોને મુશ્કેલીમાં મુક્યા. કરુણે 152 બોલમાં ફર્સ્ટ ક્લાસમાં તેની 24મી સદી પૂર્ણ કરી.
સરફરાઝે પણ શાનદાર ઇનિંગ રમી
કરુણની સાથે સરફરાઝ ખાને પણ બેટિંગથી સારું પ્રદર્શન કર્યું. સરફરાઝે ઝડપી ગતિએ બેટિંગ કરી અને ઇંગ્લેન્ડના બોલરોને મુશ્કેલીમાં મુક્યા. સરફરાઝે 119 બોલમાં 92 રન બનાવ્યા. જોકે, તે પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં. આ ઇનિંગ દરમિયાન કરુણે કુલ 13 ચોગ્ગા ફટકાર્યા. કરુણને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જોકે, પસંદગીકારોએ સરફરાઝને મુખ્ય ટીમમાં સ્થાન આપ્યું નથી.


