ક્રિકેટની રમતમાં ઘણા રેકોર્ડ બને છે, અને ક્યારેક અનિચ્છનીય રેકોર્ડ પણ દિગ્ગજ ખેલાડીઓના નામ સાથે જોડાઈ જાય છે, જેને તેઓ ભૂલી જવા માંગે છે. આવું જ કંઈક હવે અફઘાનિસ્તાનના દિગ્ગજ સ્પિનર રાશિદ ખાન સાથે થયું છે.
રાશિદ ખાનના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. રાશિદ હવે IPLની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ખાનાર બોલર બની ગયો છે.
રાશિદ તેની શાનદાર બોલિંગ અને વિકેટ લેવાની ક્ષમતા માટે આખી દુનિયામાં ફેમસ છે, પરંતુ IPLની વર્તમાન સીઝનમાં તે ઘણો સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં, તેને ઘણા મોટા હિટિંગ બેટ્સમેનોનો સામનો કર્યો, પરંતુ તેના બોલ પર છગ્ગાનો વરસાદ જોવા મળ્યો. તે આ સિઝનમાં 33 છગ્ગા ખાનાર બોલર બન્યો છે. તેને આ બાબતમાં મોહમ્મદ સિરાજને પાછળ છોડી દીધો છે, જે વર્ષ 2022 માં 31 છગ્ગા ખાનાર બોલર હતો.
આ બોલરોના નામ પણ છે સામેલ
સૌથી વધુ છગ્ગા ખાનારા બોલરોના લિસ્ટમાં શ્રીલંકાના વાનિંદુ હસરંગા અને યુઝવેન્દ્ર ચહલના નામ પણ સામેલ છે, જેમની સામે બેટર્સે એક સિઝનમાં 30-30 છગ્ગા ફટકાર્યા છે. રાશિદ ખાનના નામે શરમજનક રેકોર્ડ હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે ખરાબ બોલર બની ગયો છે. દરેક મોટા ખેલાડીના કરિયરમાં એવી ક્ષણો આવે છે જ્યારે તેને નિરાશાનો સામનો કરવો પડે છે.
રાશિદ ખાનનો T20 આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
આ અફઘાન બોલરનો T20 આંતરરાષ્ટ્રીય રેકોર્ડ જોરદાર છે. ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં, તેને 96 મેચોમાં 161 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન, તેનો ઈકોનોમી રેટ 6.08 રહ્યો છે, જેમાં એક ઈનિંગમાં 3 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસિલ કરી છે. રાશિદ ખાન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં વિશ્વમાં બીજા ક્રમે છે. તેના નામે સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ છે. આ સિવાય તે T20માં ચાર હેટ્રિક લેવાનો વિશ્વ રેકોર્ડ પણ ધરાવે છે.


