તહેવારના દિવસોમાં મીઠાઈ અને નમકીન નાસ્તા ખાવાનો શોખ પેટ માટે ભારે પડે છે. ઠંડીના દિવસો શરૂ થઈ ગયા છે. આ દિવસોમાં લોકોને ખૂબ ખાવાનું મન થાય છે. પરંતુ વધુ પડતું ખાવાથી કયારેક પેટમાં દુખાવાની ભયંકર સમસ્યા ઉદભવે છે. આ ઉપરાંત ખોરાકની અસહ્યતા, અતિસાર, ગેસ, તણાવ, અથવા વધુ ગંભીર સ્થિતિના કારણે પણ પેટમાં દુખાવો થાય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા તમે કેટલાક ઘરેલુ ઉપચાર જરૂર અજમાવી શકો છો. આ કુદરતી ઉપાય પેટના દુખાવાને ઓછું કરવામાં મદદ કરી શકે છે.
પેટમાં દુખાવો દુર કરવા કરો આ ઉપચાર
વારંવાર થતો પેટનો દુખાવો દૂર કરવા તમે ગરમ પાણીની બોટલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે પેટ પર ગરમ પાણીની બોટલ મૂકવાથી આરામ મળશે. આ બોટલ મૂકો ત્યારે પહેલા કોટનનું કપડું મૂકો અને પછી બોટલ મૂકો. આમ, કરવાથી શેક થશે અને પેટમાં ચયાપચયની ક્રિયાને વેગ મળશે. આદુનું પાણી પણ પેટની સમસ્યા માટે અસરકારક ઉપચાર છે. તમે આદુના ટુકડાને પાણીમાં ઉકાળીને પીશો તો પેટના દુખાવામાં રાહત મળશે. આ દરમિયાન પાણી પીધાના 1 કલાક સુધી કોઈ વસ્તુ ખાવી નહીં. ફુદીનો પાચન સમસ્યા માટે રામબાણ ઇલાજ છે. ફૂદીનાનો રસ પીવાથી પેટમાં થતી ગરબડ દૂર થશે. ધાણાના બીજને પાણીમાં પલાળીને પીવાથી ગેસ અને પેટના દુખાવામાં જલદી રાહત મળે છે. આ ઉપરાંત હળદર પણ ચમત્કારિક ઔષધિ છે. હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે પેટના દુખાવાને ઓછું કરવામાં મદદ કરી શકે છે.
વારંવાર થતો પેટના દુખાવાની ના કરો અવગણના
પેટનો દુખાવો વારંવાર થતો હોય અને આ દુખાવો બહુ ગંભીર હોય અથવા લાંબા સમય સુધી રહેતો હોય તો ડોક્ટરની મુલાકાત જરૂરી છે. સામાન્ય રીતે મહિલાઓને માસિક સ્રાવ સમયે દુખાવો થાય છે. તો કયારેક કબજીયાતના કારણે લોકોને વારંવાર પેટમાં દુખાવો રહે છે. આ સમસ્યાને અવગણવામાં આવે તો આગળ જતા કિડની અને લીવર પર અસર થઈ શકે છે. વારંવાર પેટના દુખાવો કયારે મહિલાઓમાં ઓવરી સંબંધિત સમસ્યા વધારે છે. પેટના ભયંકર દુખાવો વારંવાર થાય તો એ કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. પરંતુ મોટાભાગના લોકોને ખરાબ ખાનપાન અને અનિયમિત ભોજન લેવાની આદતના કારણે પેટમાં દુખાવો થાય છે. આ સામાન્ય દુખાવામાં તમે ઉપર જણાવેલ કુદરતી ઉપચાર કરી શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)


