બિહાર વિધાનસભા ચૂંટણીમાં RJD ની હાર બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને પૂર્વ લોકસભા ઉમેદવાર રોહિણી આચાર્યએ શનિવારે રાજકારણ છોડવાની અને પરિવાર સાથેનો નાતો તોડવાની જાહેરાત કરી છે. રાબડી દેવીના નિવાસસ્થાનમાંથી બહાર નીકળતી વખતે રોહિણીએ મીડિયાને જણાવ્યું કે તેમને તેમના ભાઈ તેજસ્વી યાદવ દ્વારા ઘરથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે તેજસ્વીના સલાહકાર સંજય યાદવ અને રમીઝ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે જો તેમને સવાલ પૂછવામાં આવશે તો ‘ગાળો આપીને ચપ્પલથી મારવામાં આવશે’.
કિડની ડોનેશન અને આંતરિક વિખવાદ
આ વિવાદનું મૂળ 2022માં તેમના પિતા લાલુ યાદવને રોહિણી દ્વારા આપવામાં આવેલી કિડની ડોનેશન પર ઉઠેલા સવાલો અને તે અંગે થતી કમેન્ટ્સમાં હોવાનું માનવામાં આવે છે. રોહિણીએ X પર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે તે રાજકારણમાંથી સંન્યાસ લઈ રહી છે અને પરિવારથી સંબંધ તોડી રહી છે, જે સંજય યાદવ અને રમીઝ ઈચ્છતા હતા. બીજી તરફ, તેજસ્વીના સૌથી નજીકના ગણાતા સંજય યાદવની વધતી ભૂમિકા પણ વિવાદનું મુખ્ય કારણ છે. અગાઉ તેજ પ્રતાપ યાદવે પણ સંજય પર પરિવારમાં ફૂટ પાડવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને ‘જયચંદ’ કહ્યા હતા.
ભાજપનો પ્રહાર અને પરિવાર યુદ્ધ
રોહિણી આચાર્યના આ નિર્ણય બાદ ભાજપે RJD અને તેજસ્વી યાદવ પર જોરદાર પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે જે દીકરીએ લાલુ યાદવને કિડની આપીને જીવન બચાવ્યું, તે જ આજે પરિવારથી દૂર થઈ રહી છે. લાલુ યાદવ દ્વારા થોડા મહિનાઓ પહેલા તેજ પ્રતાપને પક્ષમાંથી કાઢી મૂકવા અને હવે રોહિણી દ્વારા સંબંધ તોડવાની જાહેરાતથી સ્પષ્ટ છે કે લાલુ પરિવારમાં ‘પરિવાર યુદ્ધ’ ચરમસીમાએ પહોંચ્યું છે. રોહિણી આચાર્ય હવે પટણાથી દિલ્હી અને પછી સિંગાપોર જવા રવાના થયા હોવાના અહેવાલ છે, જેના કારણે RJD ના આંતરિક રાજકારણમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે.


