વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એકવાર તેમના સ્પષ્ટવક્તા અને જનહિતમાં લખાયેલા લેટરને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે વરાછા ઓવરબ્રિજથી સરથાણા ઓવરબ્રિજ નીચે લાંબા સમયથી ચાલી રહેલી ગેરપ્રવૃત્તિઓ અંગે સુરત પોલીસ કમિશનર અને સુરત મ્યુનિસિપલ કમિશનર પાસે લેખિતમાં જવાબ માંગીને તંત્રને જાગૃત કર્યું છે.
ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર
ધારાસભ્ય કુમાર કાનાણીએ એક નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વર્ષોથી આ બ્રિજ નીચેના વિસ્તારોમાં ડ્રગ્સ, અફીણ, ગાંજા જેવા માદક પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. આ ઉપરાંત, લોકો જાહેરમાં જુગાર રમતા પણ જોવા મળે છે. તેમણે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, “પોલીસ દ્વારા ક્યારેક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તે ટૂંક સમયમાં જ શાંત પડી જાય છે અને કોઈ નક્કર કે કાયમી કાર્યવાહી કરવામાં આવતી નથી.” ધારાસભ્યએ ઉમેર્યું કે આ ગેરપ્રવૃત્તિઓ વિશે પોલીસ અને પાલિકા બંનેને સંપૂર્ણ જાણકારી છે, તેમ છતાં યોગ્ય પગલાં લેવામાં ન આવતા આ અસામાજિક પ્રવૃત્તિઓ મુક્તપણે ચાલી રહી છે.
ધારાસભ્ય કાનાણીએ સખત ભાષામાં લેખિતમાં જવાબ માંગ્યો છે કે, આ ઘેરપ્રવૃત્તિઓ ક્યારે અને કેવી રીતે કાયમ માટે બંધ થશે. તેમના આ લેટરથી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અને કડક પગલાં લેવા માટે પોલીસ અને પાલિકા તંત્ર પર મોટું દબાણ આવ્યું છે.
આ પણ વાંચો: વનિતા વિશ્રામના મેળામાં વિવાદ, ફ્રી એન્ટ્રીની જાહેરાત બાદ ટિકિટ લેવાતા હોબાળો


