પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈના સ્થાપક ઈમરાન ખાન સાથે મંગળવારે રાવલપિંડીની અદિયાલા જેલમાં તેમની બહેન ઉઝમા ખાને મુલાકાત કરી હતી. આ મુલાકાત 20 મિનિટની રહી. ઉઝમાએ દાવો કર્યો હતો કે ઈમરાન ખાન સ્વસ્થ છે જે બાદ તેમના મૃત્યુની અટકળો અફવા સાબિત થઇ.
પીટીઆઇમાં ડબલ ગેમ રમનારાને સહન કરીશ નહી- ઇમરાન ખાન
ઇમરાન ખાન તેમની બહેનને મળ્યા પછી ઈમરાન ખાને સોશિયલ મીડિયા સાઇટ X પર એક નિવેદન આપ્યું. જેમાં તેઓએ મોટા રાજકીય નિર્ણયોની જાહેરાત કરી અને તીખા આરોપો લગાવ્યા.
પીટીઆઈમાં ડબલ ગેમ રમનારાઓને હું સહન કરીશ નહીં: જેલમાંથી એક સંદેશમાં, ઈમરાન ખાને એનડીયુ (નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી) વર્કશોપમાં હાજરી આપતા પીટીઆઈ નેતાઓ પર નારાજગી વ્યક્ત કરી. તેમણે લખ્યું કે જ્યારે આપણે તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે કેટલાક લોકો એવા લોકો સાથે સંબંધો વિકસાવી રહ્યા છે જેઓ આપણા પર જુલમ કરી રહ્યા છે. આ ખૂબ જ દુઃખદ છે. ઈમરાન ખાને આવા નેતાઓને પીટીઆઈના મીર જાફર અને મીર સાદિક પણ કહ્યા.
પીટીઆઈની રાજકીય સમિતિ વિસર્જન, નવા ચહેરાઓને જવાબદારી સોંપાઈ
એક મોટા નિર્ણયમાં, ઈમરાન ખાને પીટીઆઈની રાજકીય સમિતિ વિસર્જન કરી. તેમણે પાર્ટીના મહાસચિવ સલમાન અકમર રાજાને નવી ટૂંકા ગાળાની સમિતિ બનાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી. તેમણે શાહિદ ખટ્ટકને રાષ્ટ્રીય સભામાં પીટીઆઈના સંસદીય નેતા તરીકે પણ નિયુક્ત કર્યા.
ખૈબર પખ્તુનખ્વામાં રાજ્યપાલ શાસન અંગે શું બોલ્યા ?
ઈમરાને ખૈબર પખ્તુનખ્વામાં રાજ્યપાલ શાસન લાદવા અંગેની ચર્ચાઓને ખુલ્લો પડકાર આપ્યો. તેમણે કહ્યું કે રાજ્યપાલ શાસનની ધમકી આપનારાઓએ આજે જ આમ કરવું જોઈએ અને પછી જોવું જોઈએ કે શું થાય છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાન સરકારના મંત્રી બેરિસ્ટર અકીલ મલિકે કહ્યું હતું કે કેપીમાં સુરક્ષા અને શાસનની સ્થિતિ એટલી ખરાબ છે કે પરિસ્થિતિ રાજ્યપાલ શાસન તરફ આગળ વધી રહી છે.
સોહેલ આફ્રિદીને આપ્યું સમર્થન
પોતાના નિવેદનમાં ઈમરાન ખાને કેપીના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે સોહેલ આફ્રિદી દબાણ સામે ઝૂકી રહ્યા નથી પરંતુ પાછા લડી રહ્યા છે. તેમણે ફ્રન્ટ ફૂટ પર
રમવાનું ચાલુ રાખવું જોઈએ. મારા સંપૂર્ણ સમર્થન સાથે.
ચાર અઠવાડિયાથી એકાંત કેદ- ઇમરાન ખાન
ઈમરાન ખાને દાવો કર્યો કે તેમને છેલ્લા મહિનાથી સંપૂર્ણ એકાંતમાં રાખવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે કોર્ટના આદેશ છતાં, રાજકારણીઓ, વકીલો અને પરિવાર સાથે મુલાકાતો બંધ કરી દેવામાં આવી છે. જેલ મેન્યુઅલ મુજબ પૂરી પાડવામાં આવતી મૂળભૂત સુવિધાઓ પણ દૂર કરવામાં આવી છે.
ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સામે ગંભીર આરોપો
ઇમરાન ખાને દેશમાં આતંકવાદમાં વધારો માટે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની નીતિઓને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે ડ્રોન હુમલાઓ અને આપણા પોતાના લોકો સામેના ઓપરેશનોએ આતંકવાદને વધુ વેગ આપ્યો છે. આજે પરિસ્થિતિ કાબુ બહાર છે, અને તેઓ આનાથી ખૂબ જ દુઃખી છે.


