રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાનુ નામ જ નથી લઇ રહ્યુ. દરરોજ એક બીજા દેશ પર હુમલાઓની ઘટના સામે આવતી રહે છે.ત્યારે ફરી એક વખત રશિયાએ યુક્રેન પર જોરદાર હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેન પર 653 ડ્રોન અને 51 મિસાઇલ દ્વારા હુમલો કર્યો છે. ત્યાર બાદ દેશ ભરમાં હવાઇ હુમલાને લઇને ચેતવણી પણ આપવામાં આવી છે. જ્યારે યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ડ્રોન અને મિસાઇલને હવામાં જ મારી દેવામાં આવ્યા છે.
585 ડ્રોનને હવામાં જ તોડી પડાયા
રશિયાના આ ભીષણ હુમલાઓ બાદ, યુક્રેનિયન વાયુસેનાએ કહ્યું કે મોટા પાયે થયેલા હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.તેમણે કહ્યુ કે 585 ડ્રોનને મારી દેવામાં આવ્યા છે અને 30 મિસાઇલને હવામાં જ નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. યુક્રેને આંતરિક મામલે મંત્રી ઇગોર ક્લિમેંકાએ હુમલા વિશે જાણકારી આપતા કહ્યુ કે આ હુમલામાં અત્યાર સુધીમાં 8 લોકો ઘાયલ થયા છે.જેમાં ત્રણ લોકો કીવમાં ઘાયલ થયા છે.
વીજળી ઘર અને ઉર્જાની સુવિધાઓને નિશાન બનાવ્યા: ઝેલેન્સકી
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયન હુમલાઓ મુખ્યત્વે ઉર્જા સુવિધાઓને નિશાન બનાવતા હતા. તેમણે એમ પણ કહ્યું કે ડ્રોન હુમલામાં કિવના ઉપનગર ફાસ્ટિવમાં એક રેલ્વે સ્ટેશન બળીને ખાખ થઈ ગયું.દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રીય ઉર્જા ઓપરેટર યુક્રેનર્ગોએ ટેલિગ્રામ પર લખ્યું કે રશિયાએ યુક્રેનના અનેક વિસ્તારોમાં પાવર પ્લાન્ટ અને અન્ય ઉર્જા માળખા પર મોટા પાયે હુમલા કર્યા છે.


