ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત બોન્ડી બીચ (Bondi Beach Shooting) પર રવિવારે સાંજે યહૂદીઓના ધાર્મિક કાર્યક્રમ ‘હનુકા’ની શરૂઆત નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન બે બંદૂકધારીઓએ આડેધડ ગોળીબાર કરતાં 12 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ પણ સામેલ છે.
ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીઓએ જણાવ્યું હતું કે, હજારો લોકોની ભીડ વચ્ચે દરજ્જનબંધ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેના પગલે ઓસ્ટ્રેલિયાના આ સૌથી લોકપ્રિય જાહેર સ્થળ પર ગભરાહટનો માહોલ સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, વળતા ગોળીબારમાં એક કથિત હુમલાખોર માર્યો ગયો છે, જ્યારે બીજો ગંભીર હાલતમાં છે.
PM મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો
આ ભયાનક હુમલાની ઘટના પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઘાત અને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આ મુશ્કેલ સમયમાં ભારત ઓસ્ટ્રેલિયાની જનતા સાથે મજબૂતીથી ઊભું છે. PM મોદીએ પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના.
https://x.com/narendramodi/status/2000169288854913315
ઇઝરાયેલે કરી ત્વરિત કાર્યવાહીની માંગ
બીજી તરફ, ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગને આ ગોળીબારની ઘટનાને “યહૂદીઓ પર ક્રૂર હુમલો” ગણાવી છે. જેરુસલેમમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓને સેમિટિઝમ વિરોધી ભાવનાઓ સામે લડવાના પ્રયાસોને વધુ તેજ કરવા હાકલ કરી હતી. જોકે, ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓએ હજૂ સુધી આ હુમલાએ ખાસ કરીને યહૂદી સમુદાયને જ નિશાન બનાવ્યો હોવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.


