ગુજરાતમાં ભાગેડુ લગ્ન મુદ્દે પાટીદાર સમાજનું સંગઠન મેદાનમાં ઉતર્યું છે. સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કાયદામાં સુધારો કરવા રજૂઆત કરી છે. લગ્ન નોંધણી અંગે હિન્દૂ મેરેજ એક્ટમાં સુધારો કરવા પણ માગ કરાઈ છે. અગાઉ પણ પાટીદાર આગેવાનો આ પ્રકારે રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે ભાગેડુ લગ્ન બાદ નોંધણીના વિષયમાં રાજ્ય સરકાર નિયમ બદલી શકે છે.
રાજ્ય સરકાર ભાગેડુ લગ્ન બાદ નોંધણીનો નિયમ બદલી શકે
રાજ્ય સરકાર ભાગેડુ લગ્ન બાદ નોંધણીના વિષયમાં નિયમ બદલી શકે છે. આવતીકાલે મળનારી કેબિનેટની બેઠક અથવા તો આગામી સમયમાં આ નિયમ રજૂ થઈ શકે છે. લગ્નના રજિસ્ટ્રેશન પહેલા માતા પિતાને નોટીસનો જવાબ આપવો પડશે. એક મહિનાની અંદર વાલીએ નોટીસનો જવાબ આપવો પડશે. યુવતીના આધારકાર્ડના સરનામાની કચેરીમાં નોંધણી થશે. આ મુદ્દે આજે કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક યોજાશે.આ બેઠકમા તૈયાર થયેલો ડ્રાફ્ટ આવતીકાલની કેબિનેટમાં મુકાઈ શકે છે.
અમે ડેલિગેશન સાથે રજૂઆત કરી હતી
આ મુદ્દે પાટીદાર અનામત આંદોલનના આગેવાન વરૂણ પટેલે કહ્યું હતું કે, અમે ડેલિગેશન સાથે રજૂઆત કરી હતી. જન જાગૃતિના કાર્યક્રમો છેલ્લા 6 મહિનાથી કરતા હતાં. છેલ્લા સપ્તાહમાં નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. તેમણે એવુ આશ્વાસન આપ્યું હતું કે, ટૂંક સમયમાં કાયદો બનશે. સરકારે ફાઈનલ ડ્રાફ્ટ કરી દીધો છે જે કાયદો બનીને અમલમાં આવશે. દીકરીઓનું જીવન બરબાદ થતાં અટકશે.


