- દાહોદમાં 2 બાળકો ડૂબ્યા
- મોતના સમાચારથી પરિવારજનોમાં માતમ
- નદીના વહેણમાં 2 બાળકો ગરકાવ
દાહોદના ડુંગરી ગામે એક નદીમાં નહાવા જતા 2 બાળકોના મોત થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ માહિતી પછી મૃતક બાળકોના પરિવારજનો શોકાતુર છે.
દાહોદ જિલ્લાના ડુંગરી ગામે એક નદીમાં ડૂબતા બે બાળકોના મોતની જાણકારી સામે આવી હતી. આ અંગે બનાવની માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે તળાવમાંથી નીકળતી નદીના વહેણમાં 2 બાળકો નહાવા માટે પડ્યા હતા. જો કે આ બાળકો અચાનક ડૂબવા લાગ્યા હતા, જેને લઈને નજીકમાં કામ કરતી એક છોકરીએ આ બાળકોને ડૂબતા જોયા હતા જેથી તેમને બચાવવા માટે બૂમરાણ મચાવી દીધી હતી.
આ બૂમરાણ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાળકોને બચાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત પછી બાળકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે આ બંને બાળકોને વધુ સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનામાં 7 વર્ષના મહાવીર અને 8 વર્ષના ધવલ નામના બાળકોનું કરુણ મોત થયું હતું. બે નાના બાળકોના મોતથી પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. આ ઘટનાની જાણકારી પોલીસને મળતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને બંને બાળકોના મોત બાદ તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.