દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ
33.૮૯ લાખનો મુદામાલ જપ્ત, ચારની ધરપકડ, ૧૧ ફરાર
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે મધરાત્રે ઓપરેશન પાર પાડી દરિયાઈ માર્ગે થતી દારૂની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. જાફરાબાદ જેટીના સામા કાંઠા વિસ્તારમાં બોટમાંથી દારૂનું કટિંગ થાય તે પહેલા જ SMCના પી.આઈ. આર.કે. કરમટાની ટીમે દરોડો પાડી ૬૮૫૯ બોટલ વિદેશી દારૂ સહિત કુલ ૩૩.૮૯ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ, SMC ટીમને મળેલી બાતમીના આધારે જાફરાબાદ જેટી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે, ફિશિંગ બોટ ‘તમન્ના’ મારફતે દમણ અને મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો મોટો જથ્થો દરિયાઈ માર્ગે જાફરાબાદ લાવવામાં આવ્યો હતો. જેટી પર આ જથ્થો ટ્રેક્ટર અને રિક્ષાઓમાં લોડ થઈ રહ્યો હતો ત્યારે જ SMC ટીમ ત્રાટકી હતી. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૬,૮૫૯ બોટલો (કિંમત ₹૨૨,૭૫,૪૮૦) જપ્ત કરી છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલ બોટ, ટ્રેક્ટર અને છકડો રિક્ષા સહિત ૬ વાહનો (કિંમત ₹૧૦,૦૦,૦૦૦), ૭ મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ. ૩૩,૮૯,૩૮૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે પ્રકાશ બાબુભાઈ શિયાળ, રમેશ રણશીભાઈ મેર, કાલુલાલ કમલચંદ રાવત અને વિજય ભૂપતભાઈ બારૈયાની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર રામભાઈ બારૈયા, બોટ માલિક ઈસ્માઈલ અને દમણથી માલ મોકલનાર શખ્સ સહિત અન્ય ૧૧ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, જાફરાબાદ જેટી જેવા સંવેદનશીલ વિસ્તારમાં બોટ મારફતે આટલો મોટો જથ્થો ઉતરતો હોવા છતાંપણ સ્થાનિક મરીન પોલીસને જાણ ન આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. SMC ટીમના આ દરોડાથી અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.


