રેલવેમાં મુસાફરી કરનારા માટે રાહતના સમાચાર છે. કારણ કે રેલવે બોર્ડ દ્વારા પહેલીવાર રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. હવે યાત્રીઓ ટ્રેન ટિકિટનું સ્ટેટસ 10 કલાક પહેલા જ જાણી શકશે. સવારે 5 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં ચાલનારી ટ્રેનનો પહેલો ચાર્ટ આગલા દિવસે રાત્રે 8 વાગ્યા સુધીમાં બની જશે.
10 કલાક પહેલા જ તૈયાર થશે ચાર્ટ
જ્યારે બપોરે 2.01 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી અને અડધી રાતથી સવારે 5 વાગ્યા સુધીમાં રવાના થવાની ટ્રેનનો ચાર્ટ ટ્રેન ઉપડવાની હોય તેના 10 કલાક પહેલા જ તૈયાર થઇ જશે. બપોરે 2:01 થી 11:59 અને રાત્રે 12:00 થી 5:00 વાગ્યા વચ્ચે ઉપડતી ટ્રેનો માટે ટ્રેનના પ્રસ્થાનના 10 કલાક પહેલા પ્રથમ રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવશે. અગાઉ રિઝર્વેશન ચાર્ટ ફક્ત ચાર કલાક અગાઉથી તૈયાર કરવામાં આવતા હતા, જેના કારણે છેલ્લી ઘડીએ મુસાફરોને અસુવિધા અને મૂંઝવણનો સામનો કરવો પડતો હતો.
પહેલીવાર રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફાર
રેલ્વેએ મુસાફરોને તેમની મુસાફરી અને રિઝર્વેશન સ્થિતિ વિશે અગાઉથી માહિતી આપવા અને મુસાફરો, ખાસ કરીને દૂરના વિસ્તારોમાંથી મુસાફરી કરતા લોકોની ચિંતા ઘટાડવા માટે પ્રથમ વખત રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં ફેરફાર કર્યો છે.
ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા રેલ્વે મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા માટે ચાર્ટ અગાઉથી તૈયાર કરવામાં આવશે જેથી તેઓ સરળતાથી તેમની મુસાફરીનું આયોજન કરી શકે. આ સંદર્ભે તમામ ઝોનલ રેલ્વે વિભાગોને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે.


