તાજેતરમાં સાઇબર ક્રાઇમના ગુનામાં કેરાળા ગામમાં આવેલ બાલકૃષ્ણ ગૌશાળાના કલ્યાણગીરીની ધરપકડ કરવામાં આવી છે.ત્યારે બાલકૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ અંગે વૈષ્ણવ વિરક્ત સાધુ સમાજના પ્રમુખ હરિદાસ બાપુ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગિરનારની તળેટીમાં સાધુ સમાજની ગરિમાને ઠેસ પહોંચાડતા સાઇબર ક્રાઇમના ગુનામાં કલ્યાણ ગીરી ધરપકડ થતા વૈષ્ણવ વિરક્ત સાધુ સમાજના પ્રમુખ હરિદાસ બાપુ દ્વારા બાલકૃષ્ણ ગીરી બાપુ ગૌશાળા ટ્રસ્ટ સાથે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.હરિદાસ બાપુએ ટ્રસ્ટના દસ્તાવેજો સાથે મેદાનમાં આવીને મહાદેવગીરી બાપુ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
કરોડો રૂપિયાનો વહીવટ કરવામાં આવી રહ્યો છે
તેમણે દાવો કર્યો છે કે બાલકૃષ્ણગીરી બાપુ ગૌશાળા ટ્રસ્ટમાં મહાદેવગીરી બાપુ મુખ્ય ટ્રસ્ટી હોવા છતાં તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. કલ્યાણગીરી અને તેમના સાગરિતો દ્વારા ટ્રસ્ટના નામે કરોડો રૂપિયાનો વહીવટ કરવામાં આવી રહ્યો છે.ગૌસેવાના બહાને લાખો-કરોડોનું ભંડોળ ઉઘરાવીને બ્લેક મનીને વ્હાઈટ કરવાનું મોટું રેકેટ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે.પ્રશાસન સામે સીધો સવાલ કરતા તેમણે જણાવ્યું કે,જે સંસ્થાઓ 100-150 ગાયોના નામે કરોડો રૂપિયા ખાઇ ગયા છે, તેની તપાસ કેમ થતી નથી?. ધર્મને ધંધો બનાવી બેઠેલા આવા લેભાગુ તત્વો સામે એસ.પી.જૂનાગઢ અને રાજ્ય સરકાર કડક પગલાં ભરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
આર્થિક ગેરરીતિઓએ હવે સાધુતાને લજ્જિત કરી છે
ભગવા વેશને લજવતા આવા શખ્સો અને તેમના મળતિયાઓની મિલકતોની ઊંડી તપાસ કરવામાં આવે તો અનેક મોટા માથાઓના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ગંદકી દૂર કરી જૂનાગઢને પાખંડીઓથી મુક્ત કરવું અનિવાર્ય બન્યું છે.બાલકૃષ્ણગીરી બાપુ ગૌશાળા ટ્રસ્ટ ના નામે પ્રોજેક્ટમાં 30 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું મસમોટું કૌભાંડ આચરવાના આક્ષેપ કર્યા છે. શિવરાત્રી કે પરિક્રમા જેવી મોટી ઘટનાઓ હોય ત્યારે આગળ રહેતા સાધુઓ અત્યારે મૌન કેમ છે? તેમણે સવાલ ઉઠાવ્યો છે કે સાયબર ક્રાઈમ અને આર્થિક ગેરરીતિઓએ હવે સાધુતાને લજ્જિત કરી છે.
તમામ સાધુઓની કડક તપાસ થવી જોઈએ
કડક શબ્દોમાં વિનંતી કરતા તેઓએ જણાવ્યું કે,ગુજરાતમાં ભગવો પહેરીને રહેતા તમામ સાધુઓની કડક તપાસ થવી જોઈએ.અનેક લોકો ગુનાહિત ઈતિહાસ છુપાવીને સાધુના વેશમાં ધંધા કરી રહ્યા છે.તેમણે સરકારને અપીલ કરી છે કે આ કૌભાંડની તટસ્થ તપાસ થાય અને ગુનેગારોનો ખુલ્લા કરવા જોઈએ.ભારતી આશ્રમ ના વિવાદ બાદ હવે ભવનાથ વિસ્તારમાં આવેલ અવધૂત આશ્રમ પણ વિવાદમાં આવ્યું છે અને મહાદેવ ગીરી આ તમામ બાબતોને લઈને મૌન સેવી રહ્યા છે.


