- વરસો જૂની લાહોરી ગોડાઉન વિસ્તારની તાલુકા પંચાયતની કચેરી હાલ સૂમસામ થઈ ગઈ
- દરરોજ જૂની તાલુકા પંચાયતની ઈમારતમાંથી ચોરીઓ થવા છતાં રોકવાવાળું કોઈ નથી
- સમીસાંજ બાદ કોઈ અવરજવર નહી રહેતાં અસામાજિકો બેફામ બન્યાં
ભરૂચ તાલુકા પંચાયતની કચેરીનું સ્થળાંતર કરાતા વરસો જુની લાહોરી ગોડાઉન વિસ્તારની તાલુકા પંચાયતની કચેરી હાલ સુમસામ પડેલ છે. લાહોરી ગોડાઉન વસાહત પાસેથી તાલુકા પંચાયતની કચેરી ખુબ મોટી જગ્યામાં ફેલાયેલ છે. તાલુકા પંચાયત ઓફીસનું સ્થળાંતર થતા જુની એટલે કે લાહોરી ગોડાઉન વિસ્તારમાં આવેલી તાલુકા પંચાયતની કચેરી હાલ ન ધણિયાતી હાલતમાં છે, તેને સાચવવા માટે કોઈ સિકયુરીટી ગાર્ડસ પણ મુકવામાં આવ્યા નથી. જેના પગલે અસામાજીક તત્વો અને ચોરો માટે મોકળુ મેદાન મળી ગયુ છે.
મળતી માહિતી મુબજ દરરોજ જુની તાલુકા પંચાયતની ઈમારતમાંથી બારીની એક પછી એક ફ્રેમો કાઢી છે અને તેનુ ભંગારમાં વેચાણ થઈ રહ્યુ છે. આવી જ બાબતો નળના પાઈપો અને નળની પણ થઈરહી છે. જેમાં નળ અને નળની પાઈપો પણ ભંગારના વેપારીઓને વેચાઈ રહી છે. તો લાઈટ અંગેનો ધંધો કરનારાઓ અસામાજીક તત્વો ચોરો વિવિધ વાયરો તેમજ પટ્ટી પણ વગે કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. દિન-પ્રતિદીન ચોરીનું પ્રમાણ વધતુ જાય છે. આવા ચોરોને રોકવાવાળુ કોઈ નથી જેના પગલે તસ્કરોને ખુલ્લુ મેદાન મળી ગયુ છે. તસ્કરોની દિવાળી સુધરે તેના માટે તાલુકા પંચાયત ભરૂચનું આ ન ધણિયાતુ વિશાળ મકાન પુરતુ છે તેની સાથે સાથે અસામાજીક તત્વો જેવા કે જુગારીયા અને દારૂડીયાઓ પણ આ જુની તાલુકા પંચાયત કચેરીના વિસ્તારોમાં મહેફીલ માણતા હોવાનું જાણવા મળી રહ્યુ છે.
તાલુકા પંચાયતની કચેરી ખાલી થયા બાદ હવે તેમાંથી થતી ચોરી અંગે કોણ જવાબદાર તે પણ સમજાતુ નથી. એટલુ જ નહી પરંતુ મુખ્ય દરવાજાને તાળુ પણ મારવામાં આવ્યુ નથી. ગમે તે વ્યકિત અંદર જઈ કલાકો સુધી રોકાણ કરી શકે છે. આવી પરિસ્થિતિના પગલે ઘણા અનિતિભર્યા કામો પણ થઈ શકે છે. બીજી રીતે જોઈએ તો પ્લાઝા હોટલ પાસેના ખાંચાથી લઈને તાલુકા પંચાયતની ઈમારત સુધી સમીસાંજ બાદ કોઈ અવરજવર રહેતી નથી જેનો લાભ અંધારી દુનિયાના રાજાઓ ભરપેટ લઈ રહ્યા છે. જુગાર અને દારૂની આવી મહેફીલને બંધ કરાવવા માટે તેમજ સરકારી મિલકત એવી તાલુકા પંચાયત ભરૂચની જુની કચેરીના માલસામાનને બચાવવા માટે સિકયુરીટી ગાર્ડ મુકવામાં આવે તેવી લોકમાંગ ઉભી થઈ છે.