- ટ્રકોમાંથી રેતી ઉડતા પાછળ આવતા વાહનચાલકોને થતી હાલાકી
- ઉમલ્લા પોલીસે બે ટ્રકોના ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
- ટ્રકો ઉપર તાડપત્રી બાંધેલી ના હોયતો પાછળ આવતા વાહનચાલકો માટે તકલીફ્ ઉભી થઇ
ઉમલ્લા પોલીસ દ્વારા તા.27 મીના રોજ તાડપત્રી ઢાંક્યા વિના પસાર થતી બે રેતીવાહક ટ્રકોને અટકાવીને તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી,જ્યારે ગઇકાલે પણ ઉમલ્લા પોલીસ દ્વારા વધુ બે ટ્રકચાલકો દ્વારા તાડપત્રી ઢાંકેલ ન હોવાથી તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી રેતી ભરીને આવતા વાહનોની સંખ્યા મોટાપ્રમાણમાં રહેલી છે. રેતીનું વહન કરતી ટ્રકો ઉપર વ્યવસ્થિત રીતે તાડપત્રી ઢાંકવાની હોય છે, જેથી દોડતા વાહનમાંથી રેતી ઉડે નહિ. જો રેતી વાહક ટ્રકો ઉપર વ્યવસ્થિત રીતે તાડપત્રી બાંધેલી ના હોયતો દોડતા વાહનમાંથી રેતી ઉડતા પાછળ આવતા વાહનચાલકો અને ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે તકલીફ્ ઉભી થાય છે.
પાછળ આવતા ટુ વ્હિલર ચાલકોની આંખોમાં રેતી પડતા કોઇવાર અકસ્માત થવાની દહેશત પણ ઉભી થાય છે. ભાલોદ તેમજ વેલુગામ પંથકમાંથી નર્મદાના પટમાંથી રેતી ભરીને આવતી ટ્રકો પૈકી કેટલીક ટ્રકો ઉપર તાડપત્રી ઢાંકેલી ન હોવાના કારણે નિયમોનો ભંગ થતો હોય છે. ઉમલ્લા પીએસઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચેકિંગ દરમિયાન પસાર થતી બે ટ્રકો પર તાડપત્રી બાંધેલ ન હોવાનું જણાતા પોલીસે આ બે ટ્રકોના ચાલકો કમલેશ મણીલાલ વસાવા રહે.સારસા તા.ઝઘડિયાના તેમજ કૃષ્ના વસંત પવાર હાલ રહે.સુરત અને મુળ રહે.મહારાષ્ટ્રના વિરૂધ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.