બાંગ્લાદેશમાં યુવા નેતાની હત્યાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતના પડોશી દેશમાં રાજકીય ઉથલપાથલ ચરમસીમાએ છે. બાંગ્લાદેશમાં યુવા નેતા શરીફ ઉસ્માન હાદીનું મૃત્યુ થતાં સમગ્ર દેશમાં ફરી અરાજકતાનો માહોલ ફેલાયો છે. અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી છે અને તો કયાંક અખબારોના કાર્યાલયોને આગ ચાંપી દેવામાં આવી છે. દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારે લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે. કોણ છે આ શરીફ ઉસ્માન હાદી જેના બાદ ફાટી હિંસા.
કોણ છે યુવા નેતા શરીફ ઉસ્માન હાદી
અત્યારે બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે. શરીફ ઉસ્માનના મોત બાદ બાંગ્લાદેશમાં ઠેરઠેર હિંસા અને આગના બનાવો બન્યા. આ શખ્સનો આટલો બધો પ્રભાવ છે તે ફક્ત 32 વર્ષનો યુવાન નેતા છે. ઢાકા યુનિવર્સિટીમાં આ 32 વર્ષીય શરીફ ઉસ્માન હાદીએ રાજકીય વિજ્ઞાનમાં અભ્યાસ કર્યો. હાદીનો જન્મ ઝાલાકાઠી જિલ્લામાં થયો હતો અને તેમના પિતા મદરેસા શિક્ષક હતા. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. જુલાઈમાં થયેલા વિરોધ પ્રદર્શનો પછી તેઓ પ્રસિદ્ધિમાં આવ્યા હતા, જ્યાં તેમણે બાંગ્લાદેશ સેના અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) વિરુદ્ધ બોલ્યા હતા. જુલાઈ બળવાની સફળતા બાદ, હાદી અને તેમના સાથીઓએ ઇન્કલાબ મંચની રચના કરી.
ઉસ્માન હાદીએ રાજકારણમાં ઝંપલાવ્યું
2026ની બાંગ્લાદેશી સામાન્ય ચૂંટણી પહેલા, હાદીએ ઢાકા-8 મતવિસ્તાર માટે સ્વતંત્ર રાજકારણી તરીકે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી હતી. એટલે જ અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે જો તે બાંગ્લાદેશના રાજકારણમાં આવત તો વધુ મોટો ઉલટફેર થઈ શકત. તેને ગોળી મારવા પાછળ પણ રાજનીતિ પ્રેરિત હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા છે. બાંગ્લાદેશમાં નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળતા સ્થિતિ કાબુ બહાર ગઈ છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન ઉસ્માન પર ગોળીબાર
નોંધનીય છે કે શરીફ ઉસ્માન હાદીને 12 ડિસેમ્બરે ચૂંટણી પ્રચાર દરમિયાન માથામાં ગોળી વાગી હતી. મધ્ય ઢાકાના વિજયનગર વિસ્તારમાં જયારે ઉસ્માન હાદી ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યારે ત્રણ હુમલાખોરોએ આ યુવા નેતા પર હુમલો કર્યો અને ગોળી મારી હતી. જેના બાદ સારવાર માટે ઉસ્માન હાદીને સિંગાપોર લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન એક સપ્તાહ બાદ આ યુવા નેતાનું મૃત્યુ થયું હતું.


