બાંગ્લાદેશમાં અત્યારે માહોલ તણાવપૂર્ણ છે. ઢાકામાં વિદ્યાર્થી યુવા નેતા શરીફ ઉસ્માન હાદીની આજે દફનવિધિમાં હજારો લોકોની ભીડ ઉમટી હતી. યુવા નેતાની દફનવિધિમાં સામેલ થયેલા લોકો ન્યાયની માગનો સૂત્રોચ્ચાર કર્યા હતા. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ ઢાકામાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં જ એક હિન્દુ યુવકની મોત થતા ઢાકામાં તોડફોડ, આગ ચાંપવી બનાવો વધ્યા હતા. ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશ અત્યારે યુવા નેતાની હત્યા અને હિન્દુ યુવકની હત્યાને લઈને ભડકે બળી રહ્યો છે.
શરીફ ઉસ્માન હાદીની દફનવિધિ કરાઈ
શનિવારે ઢાકાના માણિક મિયા એવન્યુ પર ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીની દફનવિધિ કરવામાં આવી. જેમાં હજ્જરોની જનમેદની ઉમટી પડી. ઢાકામાં ઉસ્માન હાદીની દફનવિધિને લઈને સંસદ સંકુલમાં અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી બાંગ્લાદેશમાં સતત હિંસા ચાલુ છે. 18 ડિસેમ્બરે થયેલી હિંસા બાદ લાગતું હતું બાંગ્લાદેશમાં હિંસા ઓછી થશે, પરંતુ 19 ડિસેમ્બર પણ હિંસક પ્રદર્શનો ચાલુ રહ્યા. ઉદીચી શિલ્પી ગોષ્ઠીના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી અને પછી આગ લગાવવામાં આવી.
હિન્દુ યુવકની હત્યા કરનારા 7ની ધરપકડ
બાંગ્લાદેશમાં યુવા નેતાની હત્યા બાદ ફાટી નીકળેલ હિંસામાં હિન્દુ યુવકની હત્યા થઈ હતી. એવા અહેવાલ છે કે આ હિન્દુ યુવક લિન્ચિંગનો શિકાર બન્યો. 27 વર્ષીય દીપુ ચંદ્ર દાસને અજાણ્યા લોકો બેરહેમથી મારી તેની હત્યા કરી. આ હિંદુ સમુદાયના યુવકની હત્યા થતા યુનુસ સરકારે કહ્યું કે દોષિતનો છોડવામાં નહી આવે. દીપુ ચંદ્ર દાસની હત્યા કરવા મામલે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઉસ્માન હાદીના મૃત્યુને લઈને બાંગ્લાદેશમાં શોક
બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકારે ઉસ્માન હાદીના મૃત્યુ માટે રાજ્ય શોકનો દિવસ જાહેર કર્યો છે. ઉસ્માન હાદીની દફનવિધિમાં વચગાળાની સરકારના વડાપ્રધાન મોહમ્મદ યુનુસ પણ હાજર રહ્યા હતા. હાદીને 12 ડિસેમ્બરે ગોળી મારી દેવામાં આવી હતી અને 18 ડિસેમ્બરે સિંગાપોરમાં તેમનું મૃત્યુ થયું હતું. અંતિમયાત્રા ઢાકાના માનિક મિયાં એવન્યુ પર થઈ રહી છે. આખરે કોણ છે આ ઉસ્માન હાદી જાણો.
કોણ છે ઉસ્માન હાદી
ઉસ્માન હાદી ફક્ત 32 વર્ષનો યુવાન નેતા છે. ઢાકા યુનિવર્સિટીમાં શરીફ ઉસ્માન હાદીએ રાજકીય વિજ્ઞાનમાં અભ્યાસ કર્યો. હાદીનો જન્મ ઝાલાકાઠી જિલ્લામાં થયો હતો અને તેમના પિતા મદરેસા શિક્ષક હતા. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. જુલાઈમાં થયેલા વિરોધ પ્રદર્શનો પછી તેઓ પ્રસિદ્ધિમાં આવ્યા હતા, જ્યાં તેમણે બાંગ્લાદેશ સેના અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) વિરુદ્ધ બોલ્યા હતા. જુલાઈ બળવાની સફળતા બાદ, હાદી અને તેમના સાથીઓએ ઇન્કલાબ મંચની રચના કરી.


