- અત્યાર સુધીમાં 510 દર્દીને સ્વેપિંગથી કિડની મળી
- સ્વજનને ક્યારે અંગ મળશે? ઓનલાઈન વ્યવસ્થા ગોઠવવી જરૂરી
- 1100થી વધુ દર્દીઓ પોતાને કિડની દાનમાં મળે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
અમદાવાદ સિવિલની ઈન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક સાથે પાંચ સ્વેપ (અદલા-બદલી) કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. ગુજરાત, પાડોશી રાજ્ય રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તેમજ બિહારના એમ કુલ પાંચ લોકોએ કિડની દાનમાં આપી છે, જેમાં ચાર કિસ્સામાં પત્નીએ પતિને અને એક પતિએ પત્નીને કિડનીનું દાન આપીને નવજીવન બક્ષ્યું છે.
હોસ્પિટલ સૂત્રોએ કહ્યું કે, કિડની હોસ્પિટલના તીબીબોની ટીમે એક જ દિવસમાં પાંચ સફળ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. સિવિલની ઈન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં અંદાજે 510 જેટલા દર્દીઓને અત્યાર સુધીમાં કિડની સ્વેપિંગથી કિડની મળી છે. આ પ્રકારના કાર્યક્રમના કારણે કિડની માટે રાહ જોતાં દર્દીઓનું વેઈટિંગ લિસ્ટ થોડુંક ઘટશે. અત્યારે 1100થી વધુ દર્દીઓ પોતાને કિડની દાનમાં મળે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્દીઓના સગાઓની છેલ્લા કેટલાક સમયથી માગ રહી છે કે, તેમના સ્વજનનો નંબર ક્યારે આવશે, ક્યારે અંગ મળશે તે સંદર્ભે ચોક્કસ વ્યવસ્થા તંત્રે ગોઠવવી જોઈએ, દર્દીઓ કે તેમના સગાને હોસ્પિટલમાં ધક્કા ખાવા ન પડે તે માટે ઓનલાઈન વ્યવસ્થા હોવી જોઈએ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અંગદાન ક્ષેત્રે જાગૃતિ આવી છે, જેમાં બ્રેઈન ડેડ જાહેર થયેલા દર્દીઓના અંગોથી દર્દીઓને નવજીવન મળે છે, અલબત્ત, દર્દીઓની સંખ્યા એટલી બધી છે કે, વેઈટિંગ લિસ્ટ માંડ ઘટે છે.