કાળઝાળ ગરમીમાં વીજ કાપથી શહેરીજનો બફાયા
પીજીવીસીએલ દ્વારા વહેલી સવારથી બપોર સુધી કાપ મૂકતા લોકો પરસેવામાં રેબઝેબ થયા હતા
રાજકોટમાં ૪૨થી વધુ ડિગ્રી તાપમાન રહેતું હોવાથી લોકો ના ઘરમાં રહી શકયા ન બહાર નીકળી શકયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા આજે વહેલી સવારથી જ વીજકાપ મૂકી દેતા મોટાભાગના વિસ્તારોમાં લોકો ગરમીથી બફાયા હતાં. શહેરમાં ૪૨ ડિગ્રીથી વધુ તાપમાન પડતું હોવાના કારણે વીજળી નહીં હોવા છતાં લોકો ઘરની બહાર નીકળી શકયા હતા નહી. બહાર આકરો તાપ હોવાના કારણે લોકોને ઘરમાં જ પૂરાઇ રહેવું પડયું હતું. બપોર સુધી વીજ કાપ રહેતા લોકોમાં પીજીવીસીએલ કંપની સામે નારાજગી ફેલાઇ હતી.
રાજકોટ શહેરમાં ઉનાળાની ગરમીએ આ વર્ષે રેકોર્ડ તોડયો છે. સિઝન દરમિયાન શહેરનું તાપમાન સરેરાશ ૪૨ ડિગ્રીથી વધુ રહેવા પામ્યું છે અને આજે પણ ૪૪ ડિગ્રી સુધી પહોંચશે તેવી હવામાન વિભાગ દ્વારા ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં પીજીવીસીએલ દ્વારા વીજ કાપ મૂકતા લોકો વધુ અકળાયા હતા. આકરા તાપને સહન કરતાં લોકોએ આજે બફારાનો પણ સામનો કરવો પડયો હતો.
પીજીવીસીએલ દ્વારા સમયાંતરે મેઇન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી હોય છે. આ કામગીરી અંતર્ગત આજે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વીજ કાપ મૂકવામાં આવ્યો હતો. વીજકાપની અગાઉથી જ શહેરીજનોના ફોનમાં મેસેજથી જાણકારી આપવામાં આવી હતી. મેઇન્ટેનન્સ કામગીરી અંતર્ગત આજે વહેલી સવારથી જ નિર્ધારીત કરેલા વિસ્તારોમાં વીજકાપ મૂકવામાં આવ્યો હતો. વહેલી સવારે જ લાઇટ જતી રહેતાં ભર નિંદરમાં સુતેલા લોકો ઉઠી ગયા હતા અને આકુળ વ્યાકુળ થઇ ગયા હતાં. ભારે બફારાના કારણે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું. છતાં પણ ઘરમાં પૂરાઇ રહ્યા હતાં.
રાજકોટમાં અસહ્ય બફારા અને આકરા તાપના કારણે લોકોમાં હિટસ્ટ્રોકના કેસમાં સતત વધારો થયો છે. બફારાના કારણે લોકોને લૂ લાગવી, બેભાન થવું, ચક્કર આવવા સહિતની ફરિયાદો ઉઠી રહી છે. તેમજ ઉનાળામાં હાર્ટએટેકનો પણ ઉપાડો વધી ગયો છે. પીજીવીસીએલ દ્વારા વીજ કાપ મૂકતા હાર્ટના દર્દીઓને સૌથી વધારે સમસ્યા થઇ હતી. વીજકાપથી નાના બાળકોની હાલત પણ અત્યંત દયનીય જોવા મળી હતી. વહેલી સવારથી જ વીજકાપ મૂકાતા કેટલાક અજાણ લોકોએ પીજીવીસીએલના ફોનની ઘંટડીઓ રણકાવી હતી. જો કે બપોર સુધીમાં મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ થઇ જતાં વીજ પ્રવાહ પુન: કાર્યરત કરવામાં આવતાં લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો.


