ભારતીય રેલ્વેએ રવિવારે મુસાફરોની રાહત અને આવક સંતુલનને ધ્યાનમાં રાખીને એક નવું ભાડું માળખું જાહેર કર્યું છે, જે 26 ડિસેમ્બર, 2025 થી સમગ્ર દેશમાં લાગુ થશે.રેલવેના આ નિર્ણયની સીધી અસર કરોડો મુસાફરો પર પડશે, જોકે ટૂંકા અંતરના મુસાફરોને રાહત આપવામાં આવી છે.રેલવેના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કયા મુસાફરોના ખિસ્સા પર પડશે અસર?
રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે આ વધારો મુખ્યત્વે લાંબા અંતરની મુસાફરી પર લાગુ પડશે. નવા નિયમો મુજબ, જો તમે સામાન્ય શ્રેણી (Ordinary Class)માં 215 કિલોમીટરથી વધુનું મુસાફરી કરો છો, તો તમને પ્રતિ કિલોમીટર 1 પૈસા વધારો ચૂકવવો પડશે. જ્યારે મેઈલ અથવા એક્સપ્રેસ ટ્રેનોના નોન-એસી વર્ગમાં મુસાફરી કરનારાઓ માટે આ વધારો પ્રતિ કિલોમીટર 2 પૈસા રહેશે. એસી વર્ગમાં મુસાફરી કરનાર મુસાફરો માટે પણ ભાડું પ્રતિ કિલોમીટર 2 પૈસા મુજબ વધારવામાં આવ્યું છે.
ડેઇલી પેસેન્જર અને ટૂંકા અંતરની મુસાફરી માટે રાહત
રેલવેએ સ્પષ્ટ કરી દીધું છે કે ઉપનગરિય ટ્રેનો અને માસિક સીઝન ટિકિટ (MST)ના ભાડામાં એક રૂપિયાનો પણ વધારો કરવામાં આવ્યો નથી. ઉપરાંત, સામાન્ય શ્રેણીમાં 215 કિલોમીટર સુધી મુસાફરી કરનાર મુસાફરો પર પણ આ વધારાની કોઈ અસર નહીં પડે. એટલે કે ટૂંકી મુસાફરી માટે ટ્રેન પર નિર્ભર સામાન્ય માણસનું બજેટ બગડશે નહીં.
આખરે રેલવેને ભાડું કેમ વધારવું પડ્યું?
ભાડું વધારવાની પાછળનું સૌથી મોટું કારણ રેલવેનો વધતો ખર્ચ છે. છેલ્લા એક દાયકામાં રેલવેએ પોતાના નેટવર્ક અને ઓપરેશન્સમાં નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે, જેના કારણે મેનપાવર એટલે કે કર્મચારીઓની સંખ્યા અને તેમના પર થતા ખર્ચમાં ભારે વધારો થયો છે.
આંકડાઓ પર નજર કરીએ તો રેલવેનો મેનપાવર ખર્ચ વધીને 1,15,000 કરોડ રૂપિયા થઈ ગયો છે. સાથે જ પેન્શનનો ભાર પણ 60,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જો 2024-25માં રેલવેના કુલ સંચાલન ખર્ચની વાત કરીએ, તો તે 2,63,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે. એટલા મોટા ખર્ચ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રેલવેને આવકના નવા સ્ત્રોતો શોધવા પડ્યા છે. આ જ કારણથી રેલવે હવે કાર્ગો લોડિંગ વધારવા પર ભાર મૂકી રહ્યું છે અને મુસાફર ભાડામાં આ નાનું ‘એડજસ્ટમેન્ટ’ કરવામાં આવ્યું છે.સમાચાર અપડેટ થઇ રહ્યા છે.


