વડોદરા નજીક નંદેસરી પોલીસ મથકની હદમાં આવતા એક ગામમાંથી 14 વર્ષીય કિશોર ગુમ થવાની ઘટના સામે આવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. શાળાએથી પરત આવ્યા બાદ રમવા ગયેલો કિશોર મોડી રાત સુધી ઘરે ન આવતા ચિંતાતુર પિતાએ નંદેસરી પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે.
નંદેસરીમાંથી 14 વર્ષીય કિશોર ગુમ
મળતી માહિતી મુજબ, ગુમ થયેલ 14 વર્ષીય કિશોર શ્રેય (નામ બદલેલું છે) મૂળ જામનગરનો વતની છે, પરંતુ તે વડોદરા નજીક તેના મામાના ઘરે રહીને ધોરણ ૯માં અભ્યાસ કરતો હતો. ગત 19ડિસેમ્બરના રોજ શ્રેય શાળાએથી છૂટીને ઘરે આવ્યો હતો અને સાંજે આશરે ૫ વાગ્યાની આસપાસ તે મિત્રો સાથે રમવા જવા માટે ઘરેથી નીકળ્યો હતો.
પિતાએ ફોન કર્યો ત્યારે જાણ થઈ
કિશોરના પિતા જેઓ જામનગરમાં રહે છે, તેમણે રાત્રે સાત વાગ્યાના અરસામાં વડોદરા ખાતે રહેતા તેમના સાળા સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે શ્રેય હજુ ઘરે આવ્યો નથી. પરિવારજનોએ આસપાસના વિસ્તારો, મિત્રો અને સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ શ્રેયનો કોઈ પત્તો લાગ્યો નહોતો. કોઈ અજાણ્યો શખ્સ તેને લાલચ આપી પટાવી ફોસલાવીને લઈ ગયો હોવાની શંકા સાથે પિતાએ પોલીસની મદદ માંગી છે.
પોલીસે ટીમો બનાવી તપાસ શરૂ કરી
નંદેસરી પોલીસે કિશોરના અપહરણનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા ગામના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. બાળકની શોધ માટે વિવિધ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે અને આસપાસના જિલ્લાઓમાં પણ જાણ કરવામાં આવી છે.


